૧૪મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર પૂર્ણ, કુલ 13 વિધેયક પસાર થયાં

ગાંધીનગર- ગુજરાતની 14મી વિધાનસભાનું પ્રથમ સત્ર પૂર્ણ થયું છે. ગુજરાતમાં સતત છઠ્ઠીવાર સત્તાના સૂત્રો સંભાળનારી ભાજપ સરકારને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વધેલાં સંખ્યાબળની અસર રહી હતી અને સત્રમાં લોકશાહીને કલંકરુપ, રાજ્યના રાજકીય ઇતિહાસમાં શરમજનક એવી મારામારીના દ્રશ્યો પણ સર્જાયાં..આ બધાં વચ્ચે સત્રમાં કુલ 13 વિધેયક પસાર કરવામાં આવ્યાં છે.

સરકાર તરફથી બોલતાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રજાએ અમને જવાબદારી સોંપી છે ત્યારે રાજ્યના નાગરિકોને મળતી સવલતો અને વિકાસ યાત્રા વધુ વેગવાન બને તે માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂા. ૧ લાખ ૮૬ હજાર કરોડની જંગી જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે વિપક્ષ દ્વારા જે હકારાત્મક સૂચનો કરાયા છે તેનો સંપૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. જેના થકી નાગરિકોને વધુ સુખ સુવિધાઓ પુરી પાડવામાં અમને માર્ગદર્શન મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર – ૨૦૧૭માં રજૂ કરાયેલ વિઝન તરફ આગળ વધવા અમારી સરકારે શુભારંભ કરી દીધો છે.

આ સમગ્ર સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહની ૨૮ બેઠકો મળી હતી. જેમાં જુદા જુદા ક્ષેત્રની અનેક યોજનાઓ, પ્રજાના પ્રશ્નો તરફનો સરકારનો અભિગમ, પ્રશ્નોના નિકાલની અસરકારકતાનું મહત્તમ પ્રતિબિંબ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ઉજાગર થયું.  ફી નિયમન કાયદો, ફૂડ સિક્યોરીટી અધિનિયમ હેઠળ સૌને અનાજ, રાજ્યમાં વધતી જતી બેરોજગારી, નર્મદા બંધના આયોજનના બાંધકામ ક્ષેત્રે રોકાયેલા શ્રમિકો માટે મકાન, જેવા મુદ્દાઓ સંદર્ભમાં ગૃહમાં વ્યાપક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતાં જાડેજાએ જણાવ્યું કે સુરક્ષા માટે પોલિસતંત્ર કટિબદ્ધ છે. અમદાવાદ ખાતે બેંક કેશવાનમાંથી રૂ.૯૮ લાખની ચોરી, આંગડીયા પાસેથી અઢિ કરોડના હિરા અને રોકડ રકમની લૂટ તેમજ કડી ખાતેથી ૩૬ લાખના રોકડની લૂટની ઘટનાનો ભેદ પણ ગુજરાત પોલીસે ઉકેલી લીધો છે.  પોલીસ દળનું આધુનિકીકરણ, પોલીસતંત્રમાં અગ્રિમતાના ધોરણે નવી ભરતી, ગુન્હા શોધક ફોરન્સીક સાયન્સ માટે વ્યાપક જોગવાઈ, અનુસુચિત જાતિ, જનજાતિ અને વનબંધૂઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈ, ગરીબી રેખા નીચેના લોકો માટે જીવનધોરણ સુધારવા માટેનું આયોજન, ખેડૂતોને પોષણક્ષમ ભાવો, ખાતર અને દવાઓની ઉપલબ્ધતા, જૈનરિક દવાઓના સ્ટોરનો વ્યાપવધારવા જેવી બાબતોને પ્રાધાન્ય આપ્યું છે.

જાડેજાએ કહ્યું કે સમગ્ર સત્ર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧૩ સરકારી વિધેયકો રજૂ કરાયા હતા. આ પૈકી ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળની રચના કરતુ વિધેયક. ખેતીની જમીનના ટુકડાના એકત્રીકરણના સંદર્ભમાં દંડની જોગવાઈને જંત્રીની કિંમત સાથે સાંકળતું વિધેયક. ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ હેઠળ હોટેલ, રેસ્ટોરન્ટની નોંધણીની જોગવાઈ રદ કરતું વિધેયક. રાજ્યમાં વધુ ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપતુ વિધેયક. અનુસુચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોના જાતિ પ્રમાણપત્રની ખરાઈના સંદર્ભમાં વિધેયક. રજિસ્ટ્રેશન ધારામાં સુધારો કરી કુલ મુખત્યાર કરી કેટલાક ફરી જતા હોઇ તે અટકાવવાની જોગવાઈ. તથા કબ્જા વગરના પાવર ઓફ એટર્નીની ફરજીયાત નોંધણીની જોગવાઇ. જેવા વિધેયકો દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો અમલીકરણ માટે કાયદાકીય જોગવાઈ કરાઈ.

સત્ર દરમ્યાન  પ્રજાને સીધા સ્પર્શતા વિષયો પર શાસક પક્ષના સભ્યો દ્વારા અંદાજે ૧૦ વિધેયકો અને કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા ૫ વિધેયકો દાખલ કરાયા. જેમાં (૧) જાહેર સંપત્તિને થતા નૂકસાન અને તોડફોડ અટકાવવા (૨) અશક્ત વ્યક્તિઓ માટે પૂન: વસવાટ અને કલ્યાણ (૩) ઘરેલુ કામદારો અને વૃધ્ધવ્યક્તિઓની દેખભાળ કરનારનું ફરજુયાત રજીસ્ટ્રેશન (૪) સ્માર્ટ સીટીઝ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના (૫)પોળ અને અન્ય હેરિટેજના બિલ્ડીંગના સંચાલન અને હેરીટેજ સ્ટ્રક્ચરની જાળવણી (૬) નાના કુંટુંબને પ્રોત્સાહન આપવાની બાબત (૭) તીર્થ સ્થાન અને ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રને પવિત્રધામ જાહેર કરવા બાબતનો સમાવેશ થાય છે. ચાલુ સત્રમાં ગુજરાત ધોરી માર્ગઅકસ્માત નિવારણ, અવાજ પ્રદુષણ, ગુજરાતી જોડણીનો સાચો ઉપયોગ, કેન્સર પીડીતો માટે માળખાકીય ફંડ માટેના વિષયોને આવરી લેતા બિનસરકારી વિધેયકો પર પણ સભાગૃહના સભ્યોએ અનેક સૂચનો ચર્ચા દરમ્યાન કર્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]