જમીન રીસર્વેમાં ચોક્કસ નિરાકરણ બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશેઃ સરકાર

ગાંધીનગર- નાયબ સીએમ નિતીન પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે માપણી દરમિયાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે.

  • રાજ્યભરનાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોની સ્થળ પર જઈ જમીનની માપણી સંપન્ન
  • રાજ્યમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરાઈ
  • રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી ૧૨૨૨૦ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ
  • માપણી દરમિયાન થયેલ ભૂલોમાં ખેડૂતોના હિતમાં તબક્કાવાર નિરાકરણ કરીને આખરી પ્રમોલગેશન કરાશે.
  • ભૂતકાળમાં સેટેલાઈટ આધારીત માપણી ક્યારેય થઈ નથી : ખેડૂતો તથા સરકારી અને ખાનગી તમામ જમીન રેકોર્ડ પર આવી જશે.

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યા બાદ જ આખરી પ્રમોલગેશન થાય તે માટે નિતીન પટેલ સહિત મહેસૂલપ્રધાન કૌશિક પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ઊર્જાપ્રધાન સૌરભ પટેલની કમિટીની રચના કરાઈ છે જેની બુધવારે પ્રથમ બેઠક મળી હતી.

જમીન રીસર્વેમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરવામાં આવી છે. માપણી બાદ ખેડૂતોને નકશા મોકલવામાં આવ્યાં હતા અને તેમાં જે વાંધા-સુચનો મળ્યાં હતા તેની પુનઃ માપણી કરી દેવાઈ છે. રાજ્યમાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો છે તે પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોનું સ્થળ ઉપર જઈ જમીનની માપણી સંપન્ન કરી દેવાઈ છે. આ સર્વેની કામગીરી જામનગરથી શરૂ કરી હતી અને રાજ્યભરમાં આ કામગીરી પૂર્ણ થઈ છે. સર્વે દરમિયાન ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આખરી રેકર્ડના પ્રમોલગેશનના કામગીરીની સમય મર્યાદા પણ લંબાવવામાં આવી હતી. તેમજ પ્રમોલગેશન બાદ પણ જે કોઈ ખેડૂતોને વાંધા હોય તો કોઈપણ ચાર્જ વસૂલ કર્યાં સિવાય અપીલ દાખલ કરવાની પ્રક્રિયા કરાઈ છે.

રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી ૧૨,૨૨૦ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સર્વે દરમિયાન મોટે ભાગે ભાઈઓ-ભાઈઓ વચ્ચેના ભાગની વહેંચણી મૌખિક રીતે થઈ હોય તેવાં મોટા ભાગના પ્રશ્નો રજૂ થયાં હતા તે માટે જે ખેડૂતોના પ્રશ્નો હશે તેઓને આગામી સમયમાં રૂબરૂ બોલાવીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લવાશે. આ માપણી દરમિયાન નકશાઓનું સેટેલાઈટ દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે સંદર્ભે ૨ ટકા જેટલા ખેડૂતોના નાનામોટા પ્રશ્નો રજૂ થયાં છે. આ પ્રશ્નોનું ખેડૂતોના હિતમાં તબક્કાવાર સંતોષકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે અને ખેડૂતોને તેમના હક્કો આપીને આખરી પ્રમોલગેશન કરાશે તેમ ઉમેર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]