ગુજરાતઃ પ્રેમનું પ્રતિક ગણાતાં સારસ પક્ષીની વસ્તી ગણતરી બાકી

જૂનાગઢ- પ્રેમનું પ્રતિક ગણાતાં સારસની વસ્તી ગુજરાતમાં ઝડપથી ઘટી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે વનવિભાગે તાજેતરમાં જ અવેરનેસ પ્રોગ્રામ પણ યોજયો હતો. આમ છતાંય સારસની વસ્તી ગણતરી કરવાની હજુ બાકી છે. સારસની વસ્તી ગણતરી કરતા ધ ગુજરાત ઈકોલોજિકલ એન્ડ એજયુકેશનલ રિસર્સ ફાઉન્ડેશને છેલ્લા સાત વર્ષથી સારસની વસ્તી ગણતરી થઈ નથી. ફાઉન્ડેશને ઓકટોબરમાં યોજાયેલા વાઈલ્ડ લાઈફ વીક દરમિયાન સારસને બચાવવાના વિવિધ ઉપાય અંગે પણ ચર્ચા કરી હતી.

 નિષ્ણાંતો અને બર્ડ વોચર્સના મતે ગુજરાતમાં સારસની વસ્તી ઘટીને ૫૦૦થી પણ ઓછી થઈ ગઈ છે. ૨૦૧૦માં થયેલી વસ્તી ગણતરીમાં સારસની વસ્તી ૧૫૯૯ હતી જયારે ૨૦૦૭માં ૧૯૬૨ જેટલી હતી. ગિર ફાઉન્ડેશનના આર.ડી કંબોજે સ્વીકાર્યું કે ‘સારસ પ્રજાતિ પર ખતરો તોળાઈ રહ્યો છે. હવે ભાગ્યે જ ગામમાં એવા તળાવ બચ્યા છે જયાં આ પક્ષી પોતાના ઈંડા મૂકી શકે. અમદાવાદમાં ઔઘોગિકીકરણ અને પ્રદૂષિત પાણીને કારણે સારસની વસ્તી પર વધુ મોટો ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત વીજળીના ખુલ્લા વાયર્સને કારણે પણ ઘણા સારસ મૃત્યુ પામે છે.

અગાઉ અમદાવાદ જિલ્લામાં સારસની સારી એવી વસ્તી હતી ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં થયેલી વસ્તીગણતરીમાં અમદાવાદ જિલ્લામાં સારસની સંખ્યા અનુક્રમે ૪૧૪, ૪૩૨ અને ૫૩૧ હતી. ધોળકા, સાણંદ અને ધંધુકા જેવા ખેતરો ધરાવતાં વિસ્તારોમાં સારસની વધુ વસ્તી જોવા મળતી હતી. અહીં સારસ તેમના ઈંડા મૂકતા હતા.

ગિર ફાઉન્ડેશનમાં યોજાયેલા સેમિનારમાં ભાગ લેનાર દેશલ પગીએ જણાવ્યું, ‘સારસની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેતરમાં છાંટવામાં આવતી જંતુનાશનક દવાઓ અને વીજળીનો કરંટ લાગવાને કારણએ ઘણા સારસ મૃત્યુ પામે છે. અમે સારસની નોંધવાત્ર વસ્તી હોય તેવા વિસ્તારોમાં સ્કૂલના બાળકોથી માંડીને ખેડૂતોને જાગૃત કરવા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

સારસ મુખ્યત્વે ડાંગરના ખેતરોમાં પોતાના ઈંડા મૂકે છે. નિષ્ણાંતો જણાવે છે જો ખેડૂત સારસે ઈંડા મૂકયા છે એટલા ભાગમાં અનાજ ન રોપવાનું નક્કી કરે તો સારસની સંખ્યા વધારી શકાય તેમ છે.સારસ ડાંગરમાં થતા જંતુ જીવોને ખાય છે અને આ રીતે પાકનું રક્ષણ કરે છે. આ રીતે તે પાક સારો ઉતરે તેમાં મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત ખેતરમાં નીકળતા સાપ અને દેડકાને પણ સારસ ખોરાક બનાવે છે જેથી પાકનું રક્ષણ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]