પાટીદાર આંદોલન કેસોના તપાસ પંચમાં નિવેદનો રજૂ કરવાની તારીખ લંબાવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ, અમદાવાદ અને સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં બનેલા બનાવો અંગે નિવૃત ન્યાયમૂર્તિ કે.એ.પૂજના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ બનાવો અંગે જાણકાર લોકો તરફથી નિવેદનો અને સોગંદનામા રજુ કરવાની મુદત ૨૫મી નવેમ્બર-૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. તપાસ પંચ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ બનાવો સંદર્ભે જાણકાર લોકો તરફથી નિવેદનો લેવાની છેલ્લી તારીખ અગાઉ ૨૫/૫/૨૦૧૮ નિર્ધારીત કરાઇ હતી. તપાસપંચ સમક્ષ આવેલ રજૂઆતો તથા મુદત વધારવા માટે લોકોની વિનંતીને ધ્યાને લઇને તપાસપંચે લોકોને તેમના સોગંદનામા પંચ સમક્ષ રજુ કરવા માટેની પૂરતી તક મળી રહે તે માટે આ સમયગાળો તા.૩૦/૬/૨૦૧૮ સુધી લંબાવ્યો હતો.

આ કમિશનની મુદત રાજ્ય સરકાર દ્વારા ૩૧/૩/૨૦૧૯ સુધી લંબાવવામાં આવેલ હોવાથી નાગરિકો આ પંચ સમક્ષ નિવેદનો-સોગંદનામા કરી શકે તે માટે આ મુદત ૨૫/૧૧/૨૦૧૮ સુધી લંબાવાઇ છે. તપાસપંચ સમક્ષ રજુ કરવામાં આવેલ સોગંદનામા સિવાયના નિવેદનો ધ્યાનમાં લેવામાં આવશે નહિં. સોગંદનામા આધારિત નિવેદનો રજુ કરવા અંગેની તમામ શરતો અને જરૂરિયાત અગાઉ પંચ દ્વારા નક્કી કરાયેલા નિયમો યથાવત રહેશે એમ વધુમાં જણાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]