પોસ્ટ ઓફિસો 9થી 11 જૂન સુધી બંધ રહેશે… કેમ?

અમદાવાદઃ આખુ ભારત અત્યારે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે તેમાં પોસ્ટ ઓફિસો પણ બાકી નહી રહે. પોસ્ટ ઓફિસોને પણ ડિજીટલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રાહકોને ઉચ્ચ સુવિધા પુરી પાડી શકાય તે હેતુથી સરકારે પોસ્ટ ઓફિસોને ડિજિટલ પોસ્ટ ઓફિસ કરવા માટે નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર વિભાગ અંતર્ગત આવતી તમામ પોસ્ટ ઓફિસો 9 જૂન, 2018 થી 11 જૂન, 2018 દરમિયાન નાણાકીય વ્યવહારો માટે બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે પોસ્ટ ઓફિસોના ડિજિટલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. 12 જૂન, 2018થી તમામ પોસ્ટ ઓફિસો રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ માટે શહેરની તમામ પોસ્ટ ઓફિસોને જાણ કરી દેવામાં આવી છે. તેમજ ગ્રાહકોના લાભાર્થે પોસ્ટ ઓફિસનાં નોટીસ બોર્ડ પર જાહેરાત કરવા પણ તમામ પોસ્ટ ઓફિસને જાણ કરવામાં આવી છે.