એવોર્ડવિજેતા શિક્ષકોને મળતી સુવિધામાં વધારો કરવા સરકારની તૈયારી

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી સભાગૃહમાં ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ટીચર્સ ફેડરેશન અને અવધુત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કર્યુ હતું. મુખ્યપ્રધાને ડૉ.પ્રવીણ નિમાવતના કાવ્ય સંગ્રહ શબ્દસુમન અને ફેડરેશનના સભ્યોની ટેલિફોન ડિરેક્ટરી તેમજ પ્રેરણા પથદર્શક માનસિંહભાઇ ચૌધરી સહિતના પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં અને સંસ્કૃતિમાં  શિક્ષકને ગુરૂ તરીકે પૂજવામાં આવે છે. સમાજમાં તેનું સ્થાન ઈશ્વર સમાન પણ છે. મુખ્યપ્રધાને શિક્ષાની સાથે દીક્ષાનું સુત્ર આપીને કહ્યું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. સમાજમાં તેનું યોગદાન જીવનપર્યંત ચાલુ રહે છે. એવોર્ડી શિક્ષકો સમાજની શિક્ષણ વ્યવસ્થામાં રચનાત્મક યોગદાન આપે તે સમયની માંગ છે તેમ કહીને નવી પેઢીના શિક્ષકો પાસે ટેકનોલોજી છે જયારે જૂની પેઢીના શિક્ષકો પાસે અનુભવનું ભાથું છે તે બંનેનો સમન્વય થાય તો ગુજરાતના ભવિષ્ય સમાન સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છેવાડાના સમાજના બાળકોનુ વિશેષ ઘડતર થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય સરકારે શિક્ષણને વિશેષ મહત્વ આપ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા ૨૭ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે અન્ય સેકટર કરતાં સૌથી વધુ છે તેમ જણાવી ગુજરાત ગુરુવર્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આગળ વધતું રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ યુગ જ્ઞાનનો યુગ છે અને આવનારો સમય પણ જ્ઞાનનો જ રહેશે તેમ જણાવી વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા શિક્ષકોને સન્માનિત કરીને તેમજ તેમને મળીને હું ધન્યતા અનુભવું છું તેમ પણ મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું હતું. એવોર્ડ વિજેતા શિક્ષકોની સુવિધાઓમાં વધારો કરવાની લાગણી સંદર્ભે મુખ્યપ્રધાને કહ્યું કે ગુજરાત સરકાર આ મુદ્દે પણ હકારાત્મક છે.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રુપાણીના હસ્તે એવોર્ડ વિજેતા શિક્ષકોના ફેડરેશનના પ્રમુખ માનસિંગભાઈ ચૌધરી , ખુમજી ભાઈ ચૌધરી અન્ય શિક્ષક બળદેવભાઈ ગૌસ્વામી અને રાકેશભાઇ પટેલ, ચંદ્રેશભાઇ સહિતના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]