અમેરિકાના આઈનાના ‘ચલો ઇન્ડિયા’માં CM: 31 ઓક્ટોબરે આવો ગુજરાત…

ગાંધીનગરઃ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા-આઇના દ્વારા યોજાઇ રહેલા ‘ચલો ઇન્ડિયા’ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરથી લાઈવ કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે ગુજરાત વાયબ્રન્ટ સમિટની આઠ-આઠ સફળ શૃંખલાઓને પગલે ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેની ભૂમિકા આપતાં મુખ્યપ્રધાને કહ્યું કે, વિશ્વસ્તરીય સુવિધાઓ, ટેકનોલોજીનો જન સેવાઓમાં વ્યાપક વિનિયોગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય, પાણી-આવાસ પહોચાડીને ગુજરાત આજે વિકાસના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરી રહ્યું છે.

મુખ્યપ્રધાને અમેરિકામાં વસીને પણ ભારતીયો-ગુજરાતીઓએ આત્મીયતા, ભારતીયતા અને રાષ્ટ્રીયતાનો આર્વિભાવ કર્યો છે તેની પ્રસંશા કરી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ હબ બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝીરો ડિફેકટ, ઝીરો મેનડેઇઝ લોસ, ઝીરો પાવર કટ, શિક્ષણમાં ઝીરો ડ્રોપ આઉટ રેઇટ તેમજ કોમી હુલ્લડો અને આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ગુજરાતે દશે દિશાએ વિકાસના પરચમ લહેરાવ્યા છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતની ભૂમિની બે વિરલ વિભૂતી મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવન કવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આગામી બે ઓકટોબરથી ૧પ૦મી ગાંધી જ્યંતિની ઉજવણી દેશ અને રાજ્યમાં થવાની છે. તેમણે ઉમેર્યુ કે આ ઉજવણીમાં ગાંધી વિચાર-આચારના મૂલ્યોને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થાનો સાથે જોડીને જનસહયોગથી ઊજાગર કરાશે. સાથે જ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે નર્મદા બંધ સ્થળે નિર્માણથી વિશ્વ ગૌરવ અપાવવાની ભૂમિકા આપી હતી.

મુખ્યપ્રધાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ ૩૧ ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે થવાનું છે તેની ઉમંગ ઉજવણીમાં સહભાગી થવા અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોને નિમંત્રણ પાઠવ્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]