કેગ રીપોર્ટઃ સરકારની અણઘડતાથી વિલંબ અને ખર્ચનું પ્રમાણ ખૂબ વધ્યાંની ટીકા

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રીપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નાયબ સીએમ નિતીન પટેલે કેગ રીપોર્ટ ત્રણ જુદાં જુદાં ભાગમાં રજૂ કર્યો હતો.

કોમ્પટ્રોલર ઓફ ઓડિટર જનરલ-કેગ રીપોર્ટમાં સરકારની કામગીરીનું સચોટ આકલન કરી શકાતું હોવાથી તેનું ઘણું મહત્ત્વ હોય છે. ગૃહમાં રજૂ થયેલો કેગ રીપોર્ટ 2016-17ના વર્ષમાં રાજ્યની આર્થિક, સામાજિક અને મહેસૂલ સમીક્ષા સ્વરુપે રજૂ કરવામાં આવ્યો હતો.

કેગના રીપોર્ટમાં કેટલીક ગેરરીતિઓ અંગે સરકારની ટીકા કરવામાં આવી છે. મહેસૂલ અને શિક્ષણવિભાગમાં વધારાનો ખર્ચ બતાવાયો છે. પાણી પુરવઠા માટે ગ્રાન્ટ કરતાં 2 કરોડ રુપિયાનો વધારે ખર્ચ થયો છે, તો ગ્રામ આવાસ યોજનામાં પણ 122 કરોડ વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારને કુલ અનુદાનિત 22,089 કરોડની સામે ખર્ચ વધીને 22,357 કરોડ થયો હોવાનું કેગ રીપોર્ટમાં સામે આવ્યું છે.   આ ખર્ચને લઇને જણાવાયું છે કે આ વધારાનો ખર્ચ કરાયો છે.

નર્મદા જળસંપત્તિ પુરવઠા વિભાગમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાનું ઓડિટમાં જણાયું છે. આ ઉપરાંત કામગીરીમાં વિલંબની પણ નોંધ લેવાઇ છે. કેગના રીપોર્ટમાં સિંહોના સંરક્ષણમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનો ઉલ્લેખ છે. ક્ષાર નિયંત્રણ યોજનામાં આયોજનના અભાવે અમલીકરણમાં વિલંબથી યોજનાનો ખર્ચ વધીને 455 ટકા વધી ગયો હોવાનું નોંધવામાં આવ્યું છે. તેના પ્લાનિંગ અને દસ્તાવેજોના અંદાજપત્ર પણ તૈયાર ન હોવાનું અને પરિયોજના અહેવાલ તૈયાર ન થતાં 789.12 કરોડના અંદાજની સામે બિનજરુરી ખર્ચો વધીને 1045.65 કરોડનો થઇ ગયો હોવાનું જાણવા મળે છે.

કેગ રીપોર્ટ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા

જ્યારે સત્રના અંતિમ દિવસે કેગ રીપોર્ટ રજૂ કરવાની ભાજપ સરકારની નીતિ અંગે વિપક્ષ કોંગ્રેસ ટીકા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે કૌભાંડો છુપાવવા BJP છેલ્લા દિવસે જ રીપોર્ટ ગૃહમાં મૂકે છે. નવનિયુક્ત પક્ષપ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે CAGના રિપોર્ટની ચર્ચા ન થાય તે માટે તેને છેલ્લા દિવસે જ ગૃહમાં લાવવામાં આવે છે. કેગનો અહેવાલ વહેલો મુકાય તો તેના પર ચર્ચા થઈ શકે છે. પરંતુ કૌભાંડો છુપાવવા ભાજપ સરકાર છેલ્લા દિવસે જ રીપોર્ટ મૂકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]