અમદાવાદઃ રથયાત્રા સુરક્ષા મુદ્દે ક્રાઇમબ્રાંચમાં ગૃહ રાજ્યપ્રધાને બેઠક યોજી

અમદાવાદઃ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આગામી શનિવારે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલિસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગૃહરાજ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મ્યૂનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ગૃહ સચીવ, અને એએમસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક બાદ જાડેજાએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરની સુરક્ષા અંગેની માહિતી બાદ પ્રદીપસિંહે અધિકારીઓને સુરક્ષા બાબતે કેટલાક સૂચનો કર્યાં હતાં.

રથયાત્રામાં કેટલો પોલીસ બંદોબસ્ત ફાળવવો, બહારથી કેટલી કંપની મંગાવવી વગેરે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રથયાત્રાને આડે હવે માત્ર સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા છેલ્લાં ઘણાં દિવસોથી રથયાત્રાની સુરક્ષાને લઈને તૈયારીઓ આરંભી દેવાઈ છે. રથયાત્રાના રૂટ પર દરરોજ પેટ્રોલિંગ તેમ જ રથયાત્રા રૂટ પર જે મકાનો અથવા કોમ્પલેક્સ આવે છે તેના ધાબા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રાની સુરક્ષાને લઈ આજે સવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ક્રાઈમ બ્રાંચ ખાતે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ, ક્રાઈમ બ્રાંચના સહિતના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી.