સૂરતમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો, અગાઉ પણ ઝડપાઈ હતી પેઢી

સૂરત– શહેરના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ ‘ગાયના ઘી’નું ઉત્પાદન થતું હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા આ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતાં. આ પેઢીમાંથી ૩૧૪ કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઇને ફૂડ એન્ડ ડ્રગની ટીમ દ્વારા આ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તંત્રની ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ તથા સૂરત જિલ્લાની સંયુક્ત ટીમ દ્વારા ૧૨મી મેના રોજ રવિવારના દિવસે સૂરત ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરતી પેઢી મેસર્સ એસ. એસ. ટ્રેડર્સ, ૧૦-૧, અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ, કડોદરા રોડ, સારોલી, સૂરત ખાતે આકસ્મિક દરોડા પાડી તપાસ હાથ ધરતાં તપાસ દરમિયાન આ પેઢીમાંથી શંકાસ્પદ ઘીના ૧૫ કિલોગ્રામના કુલ ૨૧ ટીન મળી આવ્યાં હતાં.

માનવજાતના ઉપયોગ અર્થે વેચાણ સારું પેઢીમાં હાજરમાં મળી આવેલા ‘દેશી ગાયના ઘી’ના ટીનમાંથી કાયદાનુસાર નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. નમૂનો લીધા બાદ બાકી રહેલો શંકાસ્પદ ઘીનો કુલ જથ્થો ૩૧૪ કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂ.૧,૦૦,૪૮૦ થાય છે. આ પેઢીમાંથી ભૂતકાળમાં પણ ૨૭ જૂન ૨૦૧૫ના રોજ વડી કચેરીની સ્ક્વોડ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દીપ દ્રવ્ય તથા ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટના કુલ ૬ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે અપ્રમાણિક જાહેર થતાં એડજ્યુડીટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કર્યો હતો અને તેમાં કુલ રૂ.૫,૫૦,૦૦૦નો દંડ પણ થયેલો છે.

ફાઈલ તસવીર

૧૫ કિલોના કંપની પેક ટીનમાંથી લીધેલા ‘દેશી ગાયના ઘી’ ના નમૂના પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો અહેવાલ આવ્યાં બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.