પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણઃ રસ્તા પરથી મળેલાં 10 લાખ પરત કર્યા

સૂરતઃ અત્યારે સમય એવો આવી ગયો છે કે રુપિયા માટે માણસ કંઈપણ કરી શકે છે. ભાઈભાઈના સંબંધો, મિત્રતાના સંબંધો, કે બાપદીકરાના સંબંધો પૈસા માટે તૂટી જાય છે. ત્યારે સૂરત શહેરમાં એક બિરદાવવા લાયક કિસ્સો સામે આવ્યો છે. સૂરતના વેસુ સૂડા આવાસમાં રહેતા એક બિહારી યુવાને પ્રામાણિકતા દાખવીને એક વ્યક્તિના 10 લાખ રુપિયા પરત કર્યા છે.

ચાર દિવસ પહેલા પારલે પોઇન્ટ નજીક રસ્તા પરથી મળેલા 10 લાખ રૂપિયાની રોકડ કામરેજના ખેડૂત પરિવારને પાછા આપી દીધા હતાં. મૂળ બિહારના દિલીપ પોદાર સૂડા આવાસમાં રહે છે. પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સાડીના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. દિલીપ 15મી તારીખે ઘરેથી જમીને શોરૂમ પર જઈ રહ્યો હતો તે સમયે જ પારલે પોઇન્ટ નજીક બ્રિજ નીચેથી તેને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં રોકડા 10 લાખ રૂપિયા હતા.

જે બાદ ઉમરા પોલીસ દિલીપને શોધી કઢાયો હતો. દિલીપને પોલીસ પર શંકા ગઇ હતી ખરાઈ કરવા આઈકાર્ડ માગીને પહેલા ખરાઈ કરી હતી. આ પછી જ દિલીપે 10 લાખ રૂપિયા પોલીસને આપી મૂળ માલિકને શોધી કાઢવા અપીલ કરી હતી. દિલીપ કાંઇ ઘણો શ્રીમંત ન હતો તેના બે બાળકોના ભણતર માટેની લોન ચાલતી હતી. તે ઇચ્છત તો તે રૂપિયા તે લઇ શકતો હતો પરંતુ તેણે તેમ ન કરીને ઇમાનદારીનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરતાં રૂપિયા જ્યાંથી મળ્યાં હતાં તે વિસ્તારના કેમેરા ચેક કરતાં એક કારનો નંબર મળી આવ્યો હતો. તેના આધારે બે દિવસ બાદ કામેરજ, વાવના ખેડૂત પરિવારને શોધી કઢાયો હતો. પુત્રીના લગ્ન હતાં જેથી પરિવારની મહિલા રૂપિયા લઈ દાગીના ખરીદવા સૂરત આવી હતી. જ્વેલર્સ પાસે પહોંચ્યા બાદ તેમને રૂપિયા ખોવાયા હોવાની જાણ થઈ હતી. ત્રણ દિવસ બાદ રૂપિયા મળી આવતાં પરિવારે રાહત અનુભવી હતી. તેમને દિલીપ અને ઉમરા પોલીસને એકએક લાખનું ઇનામ આપ્યું હતું. પરંતુ પોલીસે પણ દિલીપની ઇમાનદારીને બિરદાવીને પોતાના ઇનામની રકમ પણ દિલીપને આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]