સુરતઃ 24 કલાકમાં 2 બાળકીઓ સાથે દુષ્કર્મ, નરાધમોએ વટાવી તમામ હદ

સુરતઃ સુરતના ડિંડોલીના નવાગામમાં 24 કલાકમાં બે માસૂમ બાળકીઓને નરાધમોએ પીંખી નાંખતા શહેરમાં ચકચાર વ્યાપી ગઈ છે. ડિંડોલી પોલીસે બળાત્કાર અને અપહરણ સહિતનો મામલો નોંધી એક નરાધમની ધરપકડ કરી છે, જયારે અન્ય મામલામાં તો હજુ આરોપી કોણ છે તે બાબતે પણ કોઈ જાણકારી પોલીસને મળી નથી.

રેપ કરનારા વિકૃતે દારૂ અને ગાંજોના નશો કર્યો હતો. નવાગામના શ્રમ વિસ્તારમાં રહેતી 5 વર્ષીય માસૂમ બાળકી ઘર પાસે રમતી હતી દરમિયાન પડોશમાં રહેતો 19 વર્ષીય નરાધમ રોશન ઉર્ફે કાલુએ તેને ચોકલેટની લાલચ આપી બાળકીને લઈ ગયો હતો. 4 કિલોમીટર બાળકીને ચાલતો લઈ જઈ ડિંડોલી અંબિકા ટાઉનશિપની પાસે ચમત્કારિક મંદિરની પાછળ લોખંડના પાઇપમાં નરાધમે બાળકી પર રેપ કરી ત્યાં જ બાળકીને તડપતી મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી હતી પરંતુ આરોપી ગુનો કબુલતો નહોતો આખરે અંતે 10 કલાક પછી સાચી જગ્યા જણાવતાં પોલીસે પાઇપોમાં તપાસ કરી તેમાં છેક 133 ફૂટ અંતરે 19 ફૂટ લાંબા અને 4 ફૂટના ગોળાકાર 7 અને 8 નંબરના પાઇપની વચ્ચેથી બાળકી 11 કલાકે મળી હતી.

તો આ સીવાય બીજા બનાવમાં ડિંડોલી નવાગામમાં જ 5 વર્ષની બાળકી રાત્રે પરિવાર સાથે સૂતી હતી ત્યારે બાળકીને ઊંચકી જઈ રેપ કર્યો હતો. બાળકી રડતી-રડતી ઘરે આ‌વી ત્યારે માતા-પિતાએ પૂછ્યું ત્યારે એક અંકલ લઈ ગયા હોવાની વાત કરી હતી. સવારે બ્લડિંગ વધુ થતાં પરિવાર સારવાર માટે નવી સિવિલમાં લઈ જતાં રેપનો મામલો સામે આવ્યો હતો.

બાળકી સાથે અત્યાચાર ગુજારનાર નરાધમે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. સ્મીમેરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકીની સારવાર કરનારા એક તબીબે જણાવ્યું હતું કે તેને મોઢાના ભાગે અલગ અલગ જગ્યાએ બચકા ભર્યા હોવાથી બાળકીનો હોઠ ચીરાઈ ગયો છે અને કપાળના ભાગે પણ ઈજાઓ થયેલી છે. તો આ સીવાય બાળકીને ગુપ્તાંગના ભાગે ઈન્ટર્નલ 7 સેમી સુધી ગંભીર ઈજા થઈ હોવાથી મળ માર્ગ ફાટી ગયો છે. ચાર કલાક સુધી બાળકીની સર્જરી કરવામાં આવી હતી. હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે પણ હજુ કઈ કહી શકાય નહી.

ભોગ બનના માસૂમ બાળકીએ તેના પિતાને જણાવ્યું હતું કે પપ્પા એ માણસ મને અલગ અલગ જગ્યાએ કરડતો હતો. હું રડતી હતી તો મને તેણે માર માર્યો હતો અને જો હવે રડીશ તો મારી નાંખીશ, તેવી ધમકી આપી હતી. હું પપ્પા પાણી પપ્પા પાણી કહેતી હતી પણ તેણે પાણી પણ આપ્યું ન હતું.

પુત્રી પર અત્યાચાર ગુજારાયો હોવાની જાણ થતા તેના બાળકીના માતા-પિતા ભાંગી પડ્યા હતા. બાળકીની માતાએ નરાધમ સામે રોષ વ્યક્ત કરવાની સાથે તેને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો ફાંસીએ નહી ચઢાવાય તો પોતે ફાંસો ખાઈ આપઘાત કરી લેશે તેવી ચીમકી આપી હતી.