સુરતમાં કઠુઆના બનાવનું પુનરાવર્તનઃ 11 વર્ષની બાળકી પર બળાત્કાર, હત્યા

સુરત – જમ્મુ અને કશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યા કરાયાના બનાવે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે ત્યાં હવે સુરતમાં એના જેવી જ ઘટના બની છે.

httpss://twitter.com/CP_SuratCity/status/985539234781155329

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 11 વર્ષની એક બાળકીનો વિકૃત થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પર ઈજાનાં 86 નિશાન જોવા મળ્યા છે. એના પરથી એ બાળકીને ગોંધી રાખવામાં આવી હશે અને એ દરમિયાન એની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની અને એની પર બળાત્કાર કરાયો હોવાની સંભાવના છે, એવું પોલીસનું કહેવું છે.

આ કેસને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

બાળકીનો મૃતદેહ ગઈ 6 એપ્રિલના શુક્રવારે હાઈવેની એક બાજુએથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલોમાં પુષ્ટિ મળી છે કે બાળકી પર બળાત્કાર કરાયો હતો. એ છોકરીની ગઈ પાંચ એપ્રિલે હત્યા કરાઈ હતી, એવું પોલીસનું કહેવું છે.

બાળકીની ઓળખ હજી થઈ શકી નથી.

સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માના જણાવ્યા મુજબ, એ બાળકી ઓડિયા કે બંગાળી સમાજની હોય એવું લાગે છે. એને મારી નાખવામાં આવી હતી અને ત્યારબાદ એનાં મૃતદેહને સુરતની હદની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.

શર્માએ હત્યાનો કેસ ઉકેલવામાં મદદરૂપ થવાની લોકોને અપીલ કરી છે. મૃત છોકરી અને એનાં પરિવારની ઓળખ મેળવવા માટે પોલીસે સુરત શહેરમાં અને ટ્રેનોમાં 1200 જેટલા પોસ્ટરો મૂકાવ્યા છે.