સૂરતના થિયેટરમાં ચાલતી ‘પદ્માવત’ ઉતરાવાઇ, લીક થઇને લોકો પાસે પહોંચી ગઇ

સૂરત- સંજય લીલા ભણશાલીની પદ્માવત ફિલ્મ ગુજરાતમાં ભારે વિરોધ અને હિંસાના પગલે ન દર્શાવવાનો નિર્ણય પોલો પુરવાર થઇ રહ્યો છે. સૂરતના લિંબાયતના મયૂર સિનેમામાં કોઇ હોહા વિના બે દિવસથી ફિલ્મ પદ્માવતના શો ચાલુ થઇ ગયાં હતાં. જેની જાણ કરણીસેનાને થતાં થિયેટર પર ધસી જઇને ફિલ્મને બંધ કરાવવામાં આવી હતી.બીજીબાજુ ગુજરાત અને રાજસ્થાનમાં પદ્માવત ફિલ્મની ઓનલાઇન કોપી લોકો ધડાધડ શેર કરી રહ્યાં છે. વાઇરલ કરવામાં આવેલી ફિલ્મ કોપી ગુજરાતના કોઇ થિયેટરની હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જોકે ટેક નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે ફરતી થયેલી ઓનલાઇન કોપી એચડી ક્વોલિટી અને સારી ધ્વનિ ક્ષમતાની છે તેથી કોઇ જાણકારે આ ફિલ્મ વહેતી કરી હોઇ શકે છે.

જોકે પદ્માવત ફિલ્મના કલાકારોના ચાહકો માટે મોબાઇલમાં ઉપલબ્ધ બનેલી ફિલ્મના કારણે શેરિંગ દ્વારા ફિલ્મને નિહાળવામાં આવી રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.