રજવાડી ઠાઠ સાથે 18 દીક્ષાર્થીઓનો ભવ્ય વરઘોડો સુરતના રાજમાર્ગો પર નીકળ્યો

વરઘોડાના દર્શનનો એક લાખથી વધુ ધર્મપ્રેમીઓએ લાભ લીધો : દેશના દસ રાજ્યોના રાજમહેલ-કિલ્લાની થીમ આકર્ષણનું કેન્દ્ર બની

સુરત – શાંતિવર્ધક જૈનસંઘના આંગણે અધ્યાત્મ નગરીમાં અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત પદ પ્રદાન, 18 દીક્ષા અને માળારોપણના ત્રિવેણી પ્રભુ પંથોત્સવના ચતુર્થ દિને દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો રજવાડી વરઘોડો નીકળ્યો હતો. આ સાથે સમસ્ત સુરતના સંઘનું સ્વામી વાત્સલ્ય થયું હતું.

પ.પૂ.આ.ભ.શ્રી સોમસુંદરસુરીશ્વરજી મ., પ.પૂ.આ.ભ.શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ.શ્રી શ્રેયાંસપ્રભસુરીશ્વરજી મ, દીક્ષાધર્મનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ.શ્રી ધર્મદર્શનસુરીશ્વરજી અને પ.પૂ.આ.ભ.શ્રી પુણ્યસુંદરસુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં રવિવારની સવારે 8.30 વાગ્યે 18 દીક્ષાર્થોઓના વર્ષીદાનના વરઘોડાએ એસેમસી પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશન પાસેથી પ્રસ્થાન કર્યું હતું.

ગજરાજ, ઘોડા, ઊંટગાડી, 30 જેટલું શણગારેલા ટેબ્લો હતા જેમાં 20 આરધકોના અને 10 ટેબ્લોમાં દિક્ષાર્થીઓ બિરાજમાન હતા. દિક્ષાર્થીઓ જે ટેબ્લોમાં હતા તે વિશેષ રીતે આકર્ષણનું કેન્દ્ર હતા. કારણ કે એ 10 ટેબ્લોને રજવાડી થીમ સાથે શણગારવામાં આવ્યા હતાં.

ભારતના 10 અલગ અલગ રાજ્યોના પ્રસિદ્ધ રાજમહેલ અને કિલ્લાની થીમ તેમાં પ્રદર્શિત કરાઈ હતી. એમ રજવાડી ઠાઠ સાથે દિક્ષાર્થીઓની શોભાયાત્રા સુરતના રાજમાર્ગ પરથી પસાર થઈ ત્યારે સૌ કોઈની નજર યાત્રા પરથી હટતી ન હતી.

ઉમરાથી ઇન્ડોર સ્ટેડિયમ, લાલ બંગલા દેરાસર, કેબલ બ્રિજ, સ્ટાર બજાર, મધુવન સર્કલ, T.G.B સર્કલ મણિભદ્ર વ્યુ, ગેલેક્સીસર્કલ, ઓમકાર સુરી આરાધના ભવન, કુશલવાટીકા અને ઉપધાન વાટિકાથી શોભાયાત્રા પ્લાઝો એપાર્ટમેન્ટ સામે સંપન્ન થઈ હતું. શોભાયાત્રા પર રસ્તામાં ત્રણ વખત 50,000 જેટલા ફૂલોની વૃષ્ટિ કરવામાં આવી હતી. બ્રાઝીલ કાર્નિવલ અને અનેક મંડળીઓએ શોભાયાત્રામાં અનેરું આકર્ષણ ઉભું કર્યું હતું. એક લાખથી વધુ લોકોએ આ વરઘોડાના દર્શન કર્યા હતા.

ભવ્ય વરઘોડા બાદ અધ્યાત્મ નગરીમાં સમસ્ત સુરતના શ્રી સંઘોનું સવામીવાત્સલ્ય થયું હતું. 20,000થી વધુ ધર્મપ્રેમીઓએ સાધર્મિક ભક્તિ કરી હતી.

બપોરે 3.00 વાગ્યે પ.પૂ.આ.ભ.શ્રી સોમસુંદરસુરીશ્વરજી મહારાજાની દીક્ષાતિથિ નિમિત્તે ભવ્ય ગુણાનુવાદ સભા યોજાઈ હતી. ત્યારબાદ સાંજે મહાપૂજા થઈ હતી. જેના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

વરઘોડાના આકર્ષણ

– એક કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતો વરઘોડો 

– 10,000 લોકો વરઘોડાની સાથે પગપાળા ચાલ્યા

-એક લાખથી વધુ લોકોએ નિહાળ્યો વરઘોડો

-દેશના દસ રાજ્યોના રાજમહેલ-કિલ્લાની થીમ

-હાથી, ઘોડા, ઊંટ અને અનેક મંડળીઓનું આકર્ષણ

-સ્વયં શિસ્તનું શ્રેષ્ઠ ઉદાહરણ

સોમવારે સવારે 18 દીક્ષાઓને રજોહરણ

છેલ્લા ચાર દિવસથી અઘ્યાત્મ નગરીમાં જે અઘ્યાત્મ માહોલ જામ્યો છે તેમાં છેલ્લા દિવસે સોમવારે ત્રિવિધ કાર્યક્રમો સાથે પ્રભુ પંથોત્સવ પૂર્ણતાને પામશે. સોમવારે વહેલી સવારે 5 વાગ્યેથી પદ પ્રદાન, 18 દીક્ષા અને માળારોપણના ત્રિવેણી કાર્યક્રમોનો આરંભ થશે. રજોહરણ 6.21 વાગ્યે અને 320 ઉપધાન આરધકોનો મોક્ષમાળા કાર્યક્રમ 11.11 વાગ્યે શરૂ થશે. દીક્ષાના આ સૌથી મોટા તહેવારને માણવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટી પડશે. આજના દિવસે પણ સમસ્ત સુરત શ્રી સંઘની નવકારશી અને સવામીવાત્સલ્ય થશે. દીક્ષા મહોત્સવ પ્રસંગે 30,000 થી વધુની સંખ્યામાં ધર્મપ્રેમીઓ આવે એવી શકયતા આયોજકોએ વ્યક્ત કરી છે.