પ્રજ્ઞાચક્ષુઓ માટે નવો આવિષ્કાર કરનાર આ નિકીશા કોણ છે?

સુરત : સમય અને જમાનો ટેક્નોલોજી છે, એવું બધા જાણે છે અને માને છે. પણ આ ટેક્નોલોજી શું બધા માટે સુલભ અને ઉપયોગી છે ખરી? જવાબ ના આવે, હા દરેક ટેક્નોલોજી દરેક માટે ઉપયોગી નથી હોતી સિવાય કે એમાં સુધારા અને સંશોધન કરીને એમાં સુધારા કરવામાં ન આવે. આ વાત એટલા માટે કે સુરતમાં કમ્પ્યુટર વિષયના એક અધ્યાપિકા ડૉ. નિકીશા જરીવાલા અત્યારે બે-ત્રણ દિવસથી એમના એક સંશોધન માટે ચર્ચા માં છે.

શું છે સંશોધન? 

‘ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઑફ ધી મોડલ ટુ ટ્રાન્સલીટરેટ ડિજિટલાઈઝ્ડ મલ્ટી લીંગવલ ટેક્સ્ટ ઈન ટુ બ્રેઇલ એન્ડ સ્પીચ-એન એડ ફોર વિઝ્યુઅલી ઈમ્પાયર્ડ પીપલ’  આવું અઘરું નામ સમજાયું? ટૂંકમાં સુરતના પ્રાધ્યાપિકા ડૉ.નિકીશા એ પોતાના પીએચડીનું સંશોધન એવું કર્યું છે કે નેત્રહીનો કોઈપણ ઓનલાઇન સામગ્રીને એ જો અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાંથી સીધી બ્રેઇલ લિપિમાં રૂપાંતરિત થઇ જાય. સાદી રીતે સમજો તો અત્યારે ચિત્રલેખા.કૉમ ઉપર તમે જે અહેવાલ વાંચો છે એ નેત્રહીન વાંચી ના શકે, એને કોઈએ વાંચી સંભળાવવો પડે. એવું ના કરવું હોય તો આ સમગ્ર અહેવાલને ડો.નિકીશાએ આવિષ્કાર કરેલા સોફ્ટવેરને આપો, એ સોફ્ટવેર આ અહેવાલને બ્રેઇલ લિપિમાં રૂપાંતર કરશે અને પછી એને બ્રેઇલ છાપી શકતા પ્રિન્ટરમાં પ્રિન્ટ કરો અને નેત્રહીનને આપી દો. બસ આવું કોઈ પણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી લખાણને કરી શકાય. સમગ્ર સંશોધન 4 ભાગમાં વહેચાયેલું છે. એક ટેક્સ્ટ (લખાણ), બીજું ગાણિતિક સંજ્ઞા, ત્રીજા ચિત્ર (આકાર) અને ચોથો લખાણ થી સ્પીચ.

ડૉ.નિકીશા જરીવાલા ચિત્રલેખા.કૉમ સાથે વાત કરતા કહે છે, મારે પીએચડી કરવું હતું, હું કમ્પ્યુટર વિષય ભણાવું છું. એટલે એવું કોઈ સંશોધન કરવું હતું જે સમાજઉપયોગી હોય. અનેક વિષયમાં ખાખાખોળા કર્યા પછી નેત્રહીનો માટેનું આ વિષય ઉપર કામ કર્યું. બારડોલી નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સીટીના ડૉ.બંકિમ પટેલના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂરું કર્યું છે.

કોણ છે આ નિકીશા જરીવાલા?

ડૉ.નિકિશા બી.જરીવાલા સુરતની વાડિયા વિમેન્સ કોલેજના કેમ્પસમાં આવેલી શ્રીમતી તનુબેન એન્ડ ડો મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાઇન્સ કોલેજમાં આસી.પ્રોફેસર છે. એમના બહેન ઝીનલ જરીવાલા સુરતની જ એમ.યુ.એચ. અંગ્રેજી માધ્યમની શાળાના આચાર્ય છે, ભાઈ રાજ જરીવાલા ફાયનાન્સિયલ ઍડવાઈસર છે. ડૉ.નિકીશા એ પીએચડી કર્યું એ પેહલા 2016માં  એમણે માત્ર ગુજરાતી લખાણ ને બ્રેઇલમાં ફેરવી શકે એ વિષય ઉપર સફળ સંશોધન કર્યું હતું એ માટે એમને “ગુજરાત ઇનોવેશન સોસાયટી” એ વિશેષ સમ્માન કર્યું હતું. એ કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય છે. સંશોધક અને લેખક તરીકે કમ્પ્યુટર વિષય ઉપર એમના 4 પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. દેશ-વિદેશના અનેક જર્નલમાં એ નિષ્ણાંત તરીકે એ પોતાનું પ્રદાન આપતા રહે છે. એમના વિષયની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૉન્ફેરન્સમાં એ સક્રિય ભાગીદારી કરે છે. યુટ્યુબ ઉપર એ Dr.Nikisha Jariwala ના નામે કમ્પ્યુટરના ટ્યુટોરીયલ આપે છે.

ડૉ. નિકિશા જરીવાલાના આ મોડલની નોંધ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશ્યલ અને ઇકોનોમીક રીફોરમે લઈને ડૉ. નિકિશા જરીવાલાને ડૉ. એપીજે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સુરતની અંધજન શાળા ખાતે ખૂબજ પરિશ્રમ કર્યો અને એવું મોડલ સાકારીત કર્યું છે કે જે અંધજન બાળકો માટે ખૂબજ ઉપયોગી બની રહેશે.

ફયસલ બકિલી