સચિવાલયના કર્મચારીઓ 14 વર્ષથી ફ્રીમાં સુંદરકાંડનો પાઠ કરી આપે છે

ગાંધીનગરઃ સચિવાલયના કર્મચારીઓ નિસ્વાર્થ ભાવે અને એક પણ પૈસો લીધા વગર સુંદરકાંડના પાઠ કરી આપે છે. સચિવાલયના કર્મચારીઓ છેલ્લા 14 વર્ષથી આ નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે. આ કર્મચારીઓ દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે છે. સચિવાલયના પાંચ કર્મચારીઓથી શરૂ થયેલો સુંદરકાંડ પાઠક ગણ પરિવારજન આજે 250 જેટલા સભ્યો ધરાવે છે. ત્યારે આ પરિવાર દ્વારા પોતાના 14મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુંદરકાંડ પાઠક ગણ પરિવારજનમાં સચિવાલયના પ્યૂનથી માંડીને સંયુક્ત સચિવ કક્ષા સુધીના લોકો સામેલ છે. સુંદરકાંડનો પાઠ કરવા જાય ત્યારે સામેની વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી. યજમાનને પાણી, પાટલો અને પ્રસાદ સિવાય કોઈપણ ખર્ચ થતો નથી.

આ પરિવારજન સ્વખર્ચે ગાંધીનગર બહાર પણ સુંદરકાંડનો પાઠ કરવા જાય છે. આજથી 14 વર્ષ પહેલા પાંચ કર્મચારીઓ દ્વારા નિસ્વાર્થભાવે સુંદરકાંડનો પાઠ એકબીજા કર્મચારીઓના ઘેર શરૂ કર્યો હતો, આ પાંચ કર્મચારીઓથી શરૂ થયેલો સુંદરકાંડ પાઠક ગણ પરિવારજન આજે 250 સભ્યો ધરાવે છે.

જેમ જેમ પરિવારજનમાં સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ સ્વેચ્છાએ અશ્વિની પાઠકના સુંદરકાંડની સીડી, ટેપ રેકોર્ડર, દાતા તરફથી સુંદરકાંડની બુકો મળી. આમ પરિવાર આજે એક વિશાળ વટવૃક્ષ બન્યો છે. સુંદરકાંડનો પાઠ કરવા જતી વખતે સચિવાયલના પ્યુનથી માંડીને સંયુક્ત સચિવ સુધી કોઈ પદની ઓળખાણ રહેતી નથી. હનુમાન દાદાના દરબારમાં બધા જ સરખા એવો ભાવે કેળવાયો છે.

સચિવાલયના એક અગ્રણી કર્મચારીએ નામ નહી લખવાની શરતે માહિતી આપી હતી કે ગાંધીનગર સિવાય બહાર પણ સ્વખર્ચે સુંદરકાંઠનો પાઠ કરવા જઈએ છીએ. અને સામાન્ય રીતે અમે એક વ્હોટસઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં કોના ઘરે સુંદરકાંડનો પાઠ છે, તેનું સરનામું જણાવવામાં આવે છે, લોકો સ્વેચ્છાએ આવી જ જાય છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ સુંદરકાંડ કરવાનું આંમત્રણ મળે તો અમે સ્વખર્ચે જઈએ છીએ. સુંદરકાંડ પછી દાદાની આરતીમાં કે ગાદી પર કોઈએ એક પણ પૈસો કે ભેટ નહી મુકવાની પાયાની શરત કરવામાં આવે છે. આ પરિવાર દ્વારા પોતાના 14મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ સુંદરકાંડ પાઠક ગણ પરિવારજનો હાજર રહ્યા હતા. કેક કાપવામાં આવી હતી, અને તમામ સભ્યોએ ભોજન પ્રસાદી લીધી હતી.