જીટીયુના વિદ્યાર્થીઓને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગની તાલીમ અપાશે

અમદાવાદઃ આજના ફાસ્ટ યુગમાં હરણફાળ ભરતી ટેક્નોલોજીની સાથે કદમ મિલાવી શકે તેના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી બ્રિટનની ન્યૂટન ભાભા ફંડ અંતર્ગત રોયલ એકેડમી ઓફ એન્જીનિયરીંગ તેમજ બેનેટ યુનિવર્સિટીના રિસર્ચ પ્રોજેક્ટ કાર્યક્રમમાં ઝોનલ લીડ પાર્ટનર બન્યું છે. એટલા માટે હવે જીટીયુના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગની તાલીમ પ્રાપ્ત થઈ શકશે. તો આ સાથે જ વિદ્યાર્થીઓને સુપર કોમ્પ્યુટર ધરાવતી લેબમાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના ઈન્ટર્નશીપ કરવાની પણ તક પ્રાપ્ત થશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રોફેસર નવીન શેઠે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત આરોગ્ય, કૃષિ, સ્પેસ રિસર્ચ, સાયબર સિક્યુરિટી, શિક્ષણ, વિડીયો પ્રોસેસીંગ, ઓડિયો અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસીંગ, બિઝનેસ, બૅન્કીંગ, ગુનાખોરી ડામવી, સોશિયલ મિડીયા એનાલિટીક્સ, મનોરંજન, માનવ મગજ અને કૉમ્પ્યુટર વચ્ચે સમન્વય તથા નેટવર્ક સિમ્યુલેશન વગેરે ક્ષેત્રોમાં મોટાપાયે સંશોધનો હાથ ધરવામાં આવશે. આના માટે ભારતભરમાંથી 100 ઝોનલ લીડ પાર્ટનર નક્કી કરવામાં આવ્યા છે. આ ઝોનલ લીડ પાર્ટનરમાં જીટીયુની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ જીટીયુના પાંચ પ્રાધ્યાપકોને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગની લેટેસ્ટ તાલીમ આપવામાં આવશે. પછીથી તેઓએ પોતાના ઝોનલ લીડ સેન્ટરમાં તાલીમ આપીને પ્રોફેસરોને તૈયાર કરવાના રહેશે. તાલીમ પામેલા પ્રોફેસરો પોતપોતાની કૉલેજોમાં વિદ્યાર્થીઓને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગની તાલીમ આપશે. તેમાંથી નિપુણતા મેળવી વિદ્યાર્થીઓને નોઈડા સ્થિત સુપર કૉમ્પ્યુટર ધરાવતી અત્યાધુનિક લેબમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે.

આ પ્રોજેક્ટમાં લંડનની યુનિવર્સિટી કૉલેજ, લંડનની બ્રુનેઈ યુનિવર્સિટી અને નોઈડા સ્થિત બેનેટ યુનિવર્સિટી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાં એનવિડીયા, એડબલ્યુએસ એજ્યુકેર, વિડીયોકેન અને એડવાન્ટીક્સ ઈન્ડસ્ટ્રી પાર્ટનર છે. આ યોજના હેઠળ વિવિધ ક્ષેત્રોના અલગ અલગ રિસર્ચ જૂથો બનાવીને ભારતભરમાં ક્રાંતિકારી ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો હાથ ધરવાનો હેતુ છે. નીતિ આયોગ ટૂંકસમયમાં આ લેટેસ્ટ ટેકનોલોજી વિશે રિસર્ચ કરવા અંગેની રાષ્ટ્રીય નીતિ જાહેર કરવાનું છે ત્યારે જીટીયુએ પણ તેમાં પ્રદાન આપવા આ રીતે સહભાગી થવાનું પસંદ કર્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું?
જ્યારે મોબાઈલ ફોનમાં ટાઈપ કરતા હોઈએ ત્યારે વાક્યમા પછીનો શબ્દ શું હોઈ શકે તેની આગાહી કરીને સ્માર્ટ ફોન દ્વારા જે શબ્દ આપવામાં આવે તેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કહી શકાય. વિઝીટીંગ કાર્ડ નો ફોટો લઈએ અને તેમાંથી તમામ માહિતી ઓટોમેટિક શાબ્દિક સ્વરૂપે આવી જાય તેને આપણે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકીએ. ઉપગ્રહમાંથી લીધેલી તસવીરોના આધારે વિશ્લેષણ કરીને પાકમાં કયા પ્રકારની જીવાત આવી શકે અથવા તો પાક પર ભાવિ હવામાનની કેવી અસર પડશે તેની આગાહી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યારે ઓટોમેશન નો જમાનો છે. અનેક કારખાનાઓમાં ઓટોમેશન અને રોબોટિક્સનો ઉપયોગ થવા લાગ્યો છે. ફાર્મસી ઉદ્યોગમાં દવા કે કેપ્સૂલ ઓટોમેટિક મશીનો આવવા લાગ્યા છે. માનવીને જે કંઈ કામ કરતા સખત મહેનત કરવી પડે તે કામ સરળતાથી કે ઓટોમેટિક થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય.