વિદ્યાર્થીઓએ ગાંધીજી પર બનાવી વેબ સીરીઝ, 2 ઓક્ટોબરે રજૂ થશે

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આજે મહાત્મા ગાંધી પર ઈન્ટરવ્યુ વેબ સીરીઝ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઈન્ટરવ્યુ વેબ સિરીઝ ‘Gandhi@150’ નો કોન્સેપ્ટ અને નિર્માણ સંપૂર્ણપણે દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓની બનેલી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે મહાત્મા ગાંધીજીના પ્રેરણાત્મક જીવન અને સંદેશની રજૂઆત વડે એક અંજલી સમાન બની રહેશે.

આનો પ્રારંભ તારીખ 2 ઓક્ટોબર 2018 એટલે કે ગાંધીજીના જન્મના 150મા વર્ષે ગાંધીજી જયંતીના પ્રસંગે કરવામાં આવશે. આ સિરીઝનો પ્રથમ ઈન્ટરવ્યુ નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈનો રહેશે. આ અનોખી પહેલના પ્રારંભની જાહેરાત ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા એક સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર અનામિક શાહ દ્વારા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની બનેલી ડીપીએસ બોપલની આ ટીમ મારફતે મહાત્મા ગાંધીજી અને ગાંધીવાદી વિચારધાર પર 12 ઈન્ટરવ્યુની સીરીઝ પ્રકાશિત કરવામાં આવશે. મુલાકાત આપનારને ગાંધીજીના સંદેશની વર્તમાન સંદર્ભમાં સુસંગતતા અંગે, ગાંધીજીના જીવને તેમને કેવી પ્રેરણા આપી તે અંગે તેમજ ગાંધીવાદી વિચારધારાના મુલ્યો કેવી રીતે આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક સંવર્ધન કરી શકે તે અંગે તેમના અભિપ્રાયો જણાવવા માટે કહેવામાં આવશે. આ ઈન્ટરવ્યુ વેબ સિરીઝ ‘Gandhi@150’ એ બાબત જાણવાનો પ્રયત્ન કરશે કે ગાંધીજીની વિચારધારા આપણને કેવી રીતે અસર કરતી રહે છે. આ વેબ સિરીઝનો પ્રથમ એપિસોડ તારીખ 2 ઓક્ટોબર 2018ના રોજ યુ ટ્યુબ પર રજૂ થશે અને તે પછીના એપિસોડ દર પખવાડીયે રજૂ થતા રહેશે.

કેલોરેક્સના એમડી અને સીઈઓ ડો. મંજૂલા પૂજા શ્રોફે આ મામલે જણાવ્યું કે આ વર્ષે એપ્રિલમાં અમે જ્યારે ડીપીએસ બોપલના 2000 થી વધુ વિદ્યાર્થી માટે ગાંધી પરિક્ષાનું સંચાલન કર્યું ત્યારે અમે આવી કામગીરી કરનાર ગુજરાતની પ્રથમ સ્કૂલ બન્યા હતા. તે સમયે અમે બાળકોના માનસમાં જે બીજ રોપ્યા હતા તે હવે ફળમાં પરિણમ્યા છે અને વિદ્યાર્થીઓએ આ પડકારયુક્ત પહેલને જાતે જ ઉપાડી લીધી છે. ગાંધીજીના 150મા જન્મ દિવસ પ્રસંગે અમારી કેલોરેક્સની તમામ શાળાઓ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે અને એ રીતે ઉજવણી જ નહી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ગાંધી વિચારનો પ્રચાર પણ કરશે.