“સ્ટોક કી પાઠશાળા” વેબિનાર યોજાયો

અમદાવાદઃ દેશમાં સામાન્ય જનતાને શેરોમાં મૂડીરોકાણ કરવા બાબતે જાગરૂક કરવાની આવશ્યકતા છે, જેથી તેઓ તેમના મૂડીરોકાણમાં થતા નુકસાનથી બચી શકે. નાણાકીય શિક્ષણની જરૂરિયાતો અને ગતિશીલતાને ધ્યાનમાં રાખીને, શાંતિ બિઝનેસ સ્કૂલે “સ્ટુડન્ટ ફાઇનાન્સ સેલ” શરૂ કર્યો છે, જે મેનેજર્સ સ્ટુડન્ટસના નાણાકીય જ્ઞાન અને ઇન્વેસ્ટમેન્ટ એટિકેટને વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરશે.

આ સેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે “સ્ટોક કી પાઠશાળા” વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BSEના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડના સિનિયર એક્ઝિક્યુટિવ મહેશ પંડ્યાએ સ્ટોક માર્કેટ અને તેમાં કરવામાં આવતા મૂડીરોકાણ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. હાલમાં સ્ટોક માર્કેટની પરિસ્થિતિ અંગે પૂછવામાં આવેલા વિદ્યાર્થીઓના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલી તેજીને રોકાણના આધાર તરીકે ન લેવી જોઈએ. કંપનીના ફંડામેન્ટલ્સ અને ચોક્કસ ક્ષેત્રના ભાવિ વલણનું વિશ્લેષણ કર્યા પછી જેતે શેરોમાં મૂડીરોકાણ કરવું જોઈએ.

આ વેબિનારનો હેતુ વિદ્યાર્થીઓને શેરબજારના ટ્રેડિંગની મૂળભૂત બાબતો અને લોકો જ્યારે રોકાણ કરતી વખતે કરે છે એ સામાન્ય ભૂલો વિશે જાગ્રત કરવાનો હતો. આ અંગે “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડો.નેહા શર્માએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરી જીવનમાં અર્લી ઇન્વેસ્ટમેન્ટનું મહત્વ સમજાવ્યું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે “શાંતિ બિઝનેસ સ્કૂલ” આગામી મહિનાઓમાં સ્ટુડન્ટ ફાઇનાન્સ સેલ અંતર્ગત વધુ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.