સ્ટર્લિંગ બાયોટેક સ્કેમના ભાગેડુની અલ્બાનિયામાં ધરપકડ, ભારત લવાશે હિતેશ

નવી દિલ્હી- વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કેસ મામલે ભાગેડુ આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ હિતેશ પટેલને ભારત પરત લાવવામાં આવે તેવી શક્યતા છે. પટેલ 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ અને ગુજરાતના વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. પટેલ વિરુદ્ધ 11 માર્ચના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.  હિતેશ પટેલની 20 માર્ચે અલ્બાનિયાના નેશનલ ક્રાઈમ બ્યૂરોએ ધરપકડ કરી હતી.

સૂત્રોનુ કહેવુ છે કે, ટૂંક સમયમાં જ તેને ભારત સરકારને સોંપી દેવાશે.પહેલા એવી જાણકારી મળી હતી કે હિતેશ પટેલ અમેરિકામાં છે. જોકે તે અલ્બાનિયામાંથી પકડાયો છે.

ઈડીએ મુંબઈ સ્થિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઈડીએ ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ચારેય ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર છે.

મહત્વનું છે કે, 8100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે અપરાધિક તપાસથી બચવા માટે તમામ ચાર ડિરેક્ટરો દેશ છોડીને ફરાર થઈ ગયા હતાં. અન્ય આરોપીઓમાં રાજભૂષણ દીક્ષિત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હાથી અને વચેટિયો ગગન ધવનનો સમાવેશ થાય છે. આ મામલે થોડા સમય અગાઉ જ દિલ્હીના બિઝનેસમેન ગગન ધવનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નીતિન સાંડેસરા અને તેમના પરિવારજનોને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી છે. સંડેસરા પર આરોપ છે કે, તેમણે અંદાજે 300 જેટલી શેલ કંપનીઓની મદદથી મોટી સંખ્યામાં વિદેશમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં સાત વ્યકિતઓ વિરુદ્ધપૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ અત્યાર સુધી સાત વ્યકિત અને 184 કંપનીઓ સહિત કુલ 191ને આરોપી બનાવ્યા છે. જે કંપનીઓને આરોપી બનાવવામાં આવી છે તેમાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ, પીએમટી મશીન્સ લિમિટેડ, સ્ટર્લિંગ સેઝ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ, સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સિસ લિમિટેડ અને 179 શેલ કંપનીઓનો સમાવેશ થાય છે.

આ અગાઉ ઇડીએ કોર્ટમાં સ્ટર્લિંગ બાયોટેકના માલિકોને નવા કાયદા હેઠળ ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવાની માગ કરી હતી. એજન્સીએ ભાગેડુ કાયદા હેઠળ વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકની 7000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી માગી છે.