ક્રિસમસમાં સાન્તા ક્લોઝનાં પૂતળાં રોડ પર ભંગારમાં

અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી લોકો ઉત્સવો-તહેવારની ઉમળકાભેર ઉજવણી કરી નથી. મેળા-મહોત્સવને પણ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉત્સવો પર પાબંધીથી શોરૂમના સાન્તા ક્લોઝ રોડ પર વેચાઈ રહ્યા છે. ન્યુ યર પાર્ટીઓ પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

ન્યુ યરનાં વધામણાં અને ક્રિસમસને લીધે શહેરના મોટા મોલ, શો રૂમ, હોટલ, રેસ્ટોરાં અને શૈક્ષણિક સંસ્થાનોમાં સાંતા ક્લોઝના પહેરવેશ સાથેનાં પૂતળાં મૂકવામાં આવતાં હતાં. શો રૂમની બહાર મ્યુઝિક સિસ્ટમ મૂકી બાળકોને સાન્તા ક્લોઝ સાથે ડાન્સ કરાવવા આવતો હતો. જોકે હાલ કોરોનાને લીધે મોટાં શહેરોમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે, જેને કારણે ક્રિસમસની ઉજવણી થઈ નથી રહી. શહેરના શાહપુરમાં ગાંધી બ્રિજના છેડે ઇલેક્ટ્રિક, ઇલેકટ્રોનિક્સ, ચશ્માં, ફર્નિચર જેવી અનેક જૂની, ભંગાર ચીજવસ્તુઓનું બજાર આવેલું છે. આ ભંગારમાં સાન્તા ક્લોઝના ગળામાં વેચાણનું બોર્ડ લગાડેલું છે. સાંતા ક્લોઝના પહેરવેશ સાથે અંદાજે છ ફૂટ ઊંચાં ઓટોમેટિક પૂતળાં રસ્તા પર ભંગારમાં વેચાણ થતાં જોવા મળ્યાં હતાં.

શહેરના ગાંધી  બ્રિજના છેડે શાહપુર માં જૂનો સામાન વેચતા વેપારીઓ ચિત્રલેખા.કોમને કહે છે કે કોરોના લોકડાઉન બાદ મોટા શો રૂમ, મોલ બંધ થઈ ગયા. આ બંધ શો રૂમનું ફર્નિચર, કપડાં ભરાવવાના મેનિક્વિન્સ ભંગારમાં વેચાણ માટે આવ્યા છે. મોટી સાઇઝના ચાર સાન્તા ક્લોઝ વેચાણ માટે આવ્યાં હતાં.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]