આદિવાસીઓના વિરોધ વચ્ચે એક્તા યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ

ગાંધીનગર- વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને યાદગાર બનાવવા માટે સરકારે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે રાજયભરમાં આરંભાયેલી સરદાર વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે.રાષ્ટ્રની એકતા, અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના એકતાના સંદેશા સાથેની આ યાત્રાના પ્રથમ તબક્કાના પહેલા છ દિવસમાં જ ૬૩ એકતા રથનું કુલ ૩૪૯૭ ગામો અને મહાનગરપાલિકાના કુલ ૫૫ વોર્ડોમાં ભ્રમણ કરાયું હતું.  આ એકતા યાત્રામાં અત્યાર સુધીમાં કુલ ૯ લાખ ૯૧ હજાર ૩૭૫ નાગરિકો-ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઇને એકતાના સમૂહ શપથ લીધા હતાં. એકતા યાત્રા સાથોસાથ ગામો-નગરોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-સમાજ એકતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

તો બીજી તરફ એકતા યાત્રા ફ્લોપ જવાના પણ ભણકારા વાગી રહ્યાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. એવામાં જો આદિવસીઓ નહીં આવે તો સમારંભમાં ભીડ લાવવાનો ટાર્ગેટ તો ભાજપના MLAએ જ પૂરો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આગામી 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વથી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો બીજી તરફ બીજી તરફ કેટલાંક સંગઠનો દ્વારા તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. 31મીના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા યાત્રા ડેડિયાપાડા વિસ્તારમાં પહોંચતા આદિવાસીઓએ તેનો વિરોધ કરી ભાજપના સાંસદ મનસુખ વસાવાની ગાડી અટકાવી હતી. માત્ર એટલું જ નહીં, આદિવાસીઓએ રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના પોસ્ટર્સ ફાડી નાંખીને રોષ ઠાલવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ 31ના રોજ બંધમાં જોડવવા આહવાન કર્યું છે.