ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરુ, નહીં હોય આ દસ્તાવેજ તો….

ગાંધીનગર- ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજથી ઓન લાઇન પ્રક્રિયાનો રાજય વ્યાપી પ્રારંભ થઈ ગયો છે. આજે ઓનલાઈન નોંધણી શરુ થતાંના માત્ર બે કલાકના સમયગાળામાં જ 4065 જેટલા ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જેમાં ૪૭૦૮ હેકટર વિસ્તારનું ઉત્પાદન થયુ છે.સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ માર્કેટ યાર્ડો બંધ છે તે વાતને નકારી કાઢતા આર.સી.ફળદુએ કહ્યું કે, રાજકોટ અને જેતપુર યાર્ડ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ બજાર સમિતિમાં ઓન લાઇન નોંધણી પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે.

ફળદુએ ઉમેર્યું કે, રાજયમાં અંદાજે ૨૬.૯૨ લાખ મેટ્રીક ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના છે, ત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી ૧૫મી નવેમ્બર ૨૦૧૮થી શરૂ કરાશે. રાજયમાં ૧૨૨ સેન્ટરો પરથી ખરીદીની પ્રક્રીયા ધરાશે. જે ગામમાં ખેડૂત પાસે ૭/૧૨ના દાખલો નહીં હોય તો ગ્રામ સેવકના દાખલાના આધારે પણ ઓન લાઇન નોંધણી કરાવી શકશે.

રાજયમાં ભાવાન્તર યોજનાથી મગફળીની ખરીદી કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ તથા ભારતીય કિસાન સંઘના હોદેદ્દારોને મધ્યપ્રદેશ યોજનાના અભ્યાસ માટે મોકલાયા હતાં. સરકારો જણાવ્યું કે રાજયમાં ભાવાન્તર યોજના અમલમાં મુકવામાં આવે તો આ યોજનામાં ગુજરાત અને અન્ય મગફળી પકવતા રાજયોની અઠવાડીક મોડલ પ્રાઇઝનો આધાર લેવાની જોગવાઇ હતી. જેથી ખુલ્લા બજારોમાં ભાવ ઉંચા જાય તો સ્વાભાવિક રીતે ખેડૂતોને ફાયદો ન થાય. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં અંદાજે ૧૦૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ ક્વીન્ટલ નુકશાન થવાની સંભાવના હોઇ ટેકાના ભાવે જ ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે.

ટેકનીકલ ક્ષતીના કારણોસર સર્વર ડાઉન થવાના કારણે જે જગ્યાએ ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરાવવામાં મુશ્કેલી પડી છે, ત્યાં ખેડૂતોએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી સમગ્ર માસ દરમિયાન છેલ્લામાં છેલ્લો ખેડૂત નોંધણી નહીં કરાવે ત્યાં સુધી નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. સર્વરની ક્ષતીઓ સત્વરે દુર કરવા માટે સ્થાનિક કક્ષાએ તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે.