કુદરતી આપદા સામે ભાથ ભીડવા ‘આપદા મિત્ર’ તાલીમનો પ્રારંભ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કુદરતી આપદાને પહોચી વળવા પુરૂષાર્થની તાકાતથી પૂર્નવસન-પૂનનિર્માણની સજ્જતા માટેની યુવાશકિત સેના ગુજરાત ઊભી કરશે તેવી નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વનો નહિ, સમાજ શ્રેયનો વિચાર કરીને જીવન ખપાવી દેવા પડકારો સામે બાથ ભીડવા સક્ષમ આ યુવા બ્રિગેડ ગુજરાતને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનાવશે.

મુખ્યપ્રધાને GSDMA દ્વારા રાજ્યના જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા બે હજાર યુવા-યુવતિઓ માટેના ‘આપદા મિત્ર’ તાલીમ કાર્યક્રમનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત શારીરિક સક્ષમ હોય તેવા યુવકો તથા યુવતિઓને જરૂરી તાલીમ આપીને આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે જોડવામાં આવે છે. કોઇપણ આપત્તિ આવે ત્યારે પ્રથમ પ્રતિભાવ આપવામાં અસરકારક રીતે જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થાય તે આ આપદા મિત્રનો મુખ્ય ઉદેશ છે. આ પસંદ થયેલા બે હજાર જેટલા આપદા મિત્રોને ઉંડા પાણીમાં તરવાની અને શોધ તેમજ બચાવ કામગીરી અંગેની તથા પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવશે.
મુખ્યપ્રધાન રૂપાણીએ આપદા-આફતમાં ફસાયેલા જનસામાન્યની સેવા-બચાવના કાર્યને ઇશ્વરીય કાર્ય ગણાવતાં ઉમેર્યુ કે, આપણી સંસ્કૃતિમાં જીવમાત્રના કલ્યાણ જીવમાત્રની ચિંતા કરવાનો ભાવ છે. રાજ્ય સરકારે અદ્યતન ટેકનોલોજી, યુવા કૌશલ્ય અને આપદા પ્રબંધનની તજ્જ્ઞતા તેની સાથે જોડીને આફત આવતા પૂર્વેની સજ્જતા અને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી તાલીમથી આ આપદા મિત્રોને તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે.

વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં ર૦૦૧માં આવેલા ભયાવહ ભૂકંપે સર્જેલી તારાજી અને ગત વર્ષે બનાસકાંઠા-પાટણમાં પૂરના પ્રકોપે વેરેલા વિનાશ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે કુશળતા તંત્ર અને નાગરિકો-પ્રજાજનોએ દર્શાવીને આપત્તિને અવસરમાં પલ્ટાવી તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, જલ, વાયુ, અગ્નિ સહિતની કુદરતી આફતોની સંભાવના ધરાવતા ગુજરાતે દેશભરમાં પ્રથમ એવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરીને આ પડકારોને પાર પાડવાનો, સફળ પૂનનિર્માણનો ઉત્તમ દાખલો બેસાડયો છે. તેમણે જણાવ્યું કે, શાળા કોલેજોમાં અભ્યાસની સાથે સાથે આપત્તિ સમયે મદદરૂપ થવાનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. રાજ્ય કક્ષાએ ૨૫૭ ટ્રેનરો દ્વારા ૩૩ હજારથી વધુ શાળાઓમાં તાલીમ અપાઇ છે અને ૫૭,૮૨૦ શિક્ષકોને તાલીમથી સજ્જ કરાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]