નવલી નવરાત્રિઃ શકિતપીઠ બહુચરાજી મહાત્મ્યનો નિહાળો વિશેષ વિડીયો…

બહુચરાજીઃ ગુજરાતની આસ્થાળુ જનતામાં સદીઓથી પોતાના પરચાઓ દ્વારા લોકહૈંયે વસનારા મા બહુચરાને નવરાત્રિના પાવન દિવસોમાં યાદ ન કરીએ તે બને જ કેમ…  આ શક્તિપીઠનું મહાત્મ્ય તેના કિન્નર સમુદાયના ભક્તો માટે અલગ જ સ્થાન ધરાવે છે તો, અનેક કૂળોના કૂળદેવી તરીકે મા બહુચર પૂજાય છે. બહુચરમાનો આનંદનો ગરબો આજે ઘેરઘેર ગવાય છે. એવા મા બહુચરના દર્શન કરવા જઈએ બહુચરાજી….

 

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલ શક્તિપીઠ બહુચરાજી ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું ધામ છે. યાત્રાધામ તરીકે લોકપ્રિય આ મંદિર એકાવન શક્તિપીઠોમાંનું એક છે. માન્યતા પ્રમાણે સંત કપિલદેવ વરખડી દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનો આશરે બસ્સો વર્ષ પહેલાં મરાઠાઓ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. બહુચરાજીનું મંદિર ઐતિહાસિક હોવાથી અનેક દંતકથાઓ અને લોકગીતોમાં એના ઉલ્લેખ જોવા મળે છે. દર પૂનમે અહીં મેળો ભરાય છે, જેમાં હજારો ભક્તોની ભીડ ઉમટે છે, એમાંય ચૈત્રી પૂનમે આ શક્તિપીઠના દર્શનનું ખૂબ મહત્વ છે.

આ મંદિરના ભૂતકાળ તરફ નજર કરીએ તો તેનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ થયું હતું અને ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ સ્થાપત્યકળાના દર્શન થાય છે. પથ્થરથી બનેલાં મંદિરની આગળ વિશાળ મંડપ છે, જેને ચાચર ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.

મંદિરની પાછળ માનસરોવર નામનો કુંડ જ્યાં ગુજરાતના કેટલાયે લોકો પોતાના બાળકના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. જે બાળકોને કોઇ ખોડ હોય અને તેની માનતા માની હોય એ પછી બાળકો સાજાનરવાં થતાં માતાપિતા હોંશભેર અહીં આવે છે અને માતાજીના મંદિરમાં ચાંદીનું અંગ અર્પણ કરે છે. માતાજીના એવા અસંખ્ય પરચાઓ પરના કેટલાયે ગરબા, ગીતો અને ભજનો લખાયેલાં મળે છે.

ચૈત્રી પુનમ તથા આસો પૂનમની રાત્રે માતાજીની પાલખી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી ૩ કિલોમીટર દૂર આવેલાં શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે.  પાલખી આખા શંખલપુર ગામમાં ફરે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિરમાં પરત આવે છે. માતાજીની આ પાલખીયાત્રાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

શક્તિનું સ્થાનક હોવાથી નવરાત્રિ દરમિયાન તો ભક્તોનો તાંતો લાગે છે. તો કળાપ્રવૃત્તિરુપે યોજાતાં ભવાઈના વેશ પણ ખૂબ જાણીતાં છે. નવરાત્રિ પૂર્ણ થતાં દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે અને બહુચરાજી પાસે આવેલ શમીવૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે. માતાજીના આ અલોકિક સ્વરુપના દર્શન મા બહુચરના ભક્તો માટે વર્ષભરની યાદગાર બની રહે છે અને ભક્તો આનંદભેર ગાઈ ઉઠે છે કે બાળક થઈ જે થાયે દાસ, મા બહુચર પૂરે એની આશ…