સ્પેશિઅલ કોર્ટ ચૂકાદોઃ સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ મામલે વધુ 2 આરોપી દોષિત

અમદાવાદઃ વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર 59 કારસેવકને જીવતા સળગાવી મૂકવા મામલે આજે સાબરમતી જેલની સ્પેશિઅલ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. વર્ષ 2015થી 2016 વચ્ચે જે આરોપીઓ ઝડપાયા છે તે 5 આરોપીઓ અંગે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કુલ પાંચ પૈકી 2 આરોપીઓને દોષિત અને 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સમગ્ર મામલે SIT ની સ્પેશિયલ કોર્ટમાં જજ એચ.સી.વોરાએ સાબરમતી જેલમાં આ ચૂકાદો સંભળાવ્યો હતો.

મહત્વનું છે કે ગોધરાકાંડમાં સંડોવાયેલા આ પાંચ આરોપીઓ વર્ષ 2002થી ફરાર હતા અને વર્ષ 2015-16માં આ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતૂ. મહત્વની વાત છે કે પાછળથી પકડાયેલા આરોપીઓએ ગોધરાકાંડમાં ગુનાહિત ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે સુરક્ષાના કારણોસર સાબરમતી જેલની અંદર જ એક ખાસ કોર્ટ બનાવવામાં આવી છે અને તેમાં આજે આ મામલે સુનાવણી યોજાઈ હતી.

વર્ષ 2002ના ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આ ઘટના બની હતી. જેમાં 59 મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતા. આ ઘટનામાં 11 જેટલા દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. અગાઉ 11 જેટલા દોષિતોને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી જોકે બાદમાં 11 દોષિતોએ હાઈકોર્ટમાં આ ચૂકાદાને પડકારતા તેમની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.