ભેળસેળિયું દૂધઃ દરોડા કાર્યવાહીમાં આટલા નમૂના ફેઇલ થયાં

ગાંધીનગર– ગુજરાતમાં દૂધની ભેળસેળ મામલે એપ્રિલ-૨૦૧૮ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ ૩૫૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૫૨ નમૂનાના પરિણામ આવ્યા છે. આ પરિણામનો અભ્યાસ કરતાં ૩૫૨માંથી ૩૧૨ નૂમના પાસ જાહેર થયા છે, જ્યારે ૪૦ નમૂના સબ સ્ટાન્ડર્ડ થયા છે. તેમજ ૦૧ નમૂનો અનસેફ જાહેર થયો છે. કુલ ૪૦ સબસ્ટાન્ડર્ડ નમૂનાઓ પૈકી ૧૮ નમૂનામાં એસ.એન.એફ. ઓછું હોવાને કારણે, ૦૫ નમૂના મિલ્ક ફેટ ઓછો હોવાના કારણે, ૧૦ નમૂના મિલ્કફેટ તથા એસ.એન.એફ. બન્ને ઓછું હોવાના કારણે, ૦૧ નમૂનો સ્કિમ મિલ્ક પાવડરની હાજરીના કારણે તથા ૦૬ નમૂના ફોરેન ફેટની હાજરીના કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ ભેળસેળીયા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કમિશનર ઓફ ફૂડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, જે ૪૦ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ થયા છે. તેમાંથી ભાવનગર જિલ્લામાં ૦૭ નમૂના, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૫ નમૂના, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૫ નમૂના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૪ નમૂના, ભુજ જિલ્લામાં ૦૩ નમૂના, ભરૂચ જિલ્લામાં ૦૨ નમૂના, નડિયાદ જિલ્લામાં ૦૨ નમૂના, સુરત જિલ્લામાં ૦૨ નમૂના, વડોદરા જિલ્લામાં ૦૨ નમૂના, અમદાવાદ જિલ્લામાં ૦૨ નમૂના, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૧ નમૂનો, જુનાગઢ જિલ્લામાં ૦૧ નમૂનો, સુરેન્દ્રનગર જિલ્લામાં ૦૧ નમૂનો, તેમજ ગોધરા જિલ્લામાં ૦૧ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ૦૧ નમૂનો જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વસાવડા ગામમાંથી રેડ દરમિયાન લેવાયેલ તે અનસેફ જાહેર થયા છે. જેમાં માલ્ટોડેકસ્ટીન, ડિટરજર્ન્ટ તથા અન્ય કેમિકલની હાજરી જોવા મળી છે.

જે નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે તે તમામ ૪૦ કિસ્સાઓમાં જે તે જિલ્લાના એડજ્યુડીકેટીંગ અધિકારી સમક્ષ દંડકીય કાર્યવાહી માટે કેસો દાખલ કરવામાં આવશે, જ્યારે અનસેફ નમૂનામાં કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી થશે.