અમદાવાદમાં મેઘરાજાનું આગમન, અંબાજી, તાપી, ડાંગમાં હળવા વરસાદની શરુઆત

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તો કેટલાક જિલ્લામાં મેઘરાજાએ હજી પધરામણી કરી નથી. અમદાવાદમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે. અમદાવાદના નારોલ, અસલાલી પટ્ટામાં પહેલો વરસાદ માણી નાગરિકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણવાતાવરણમાં પલટો આવ્યો છે. તો ખેડૂબ્રહ્મા અને ઈડર જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.

તો આ તરફ અંબાજી પંથકમાં વાદળોની ગર્જના સાથે વરસાદી માહોલ સર્જાયો હતો અને હળવો વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજી પંથકમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયા બાદ વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું અને કાળાડીંબાંગ વાદળો છવાયા બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

જોકે હાલ તબક્કે સર્જાયેલાં વાતાવરણને જોતા નજીકનાં સમયમાં જ વરસાદની શરૂઆત થાય તેવાં એંધાણ વર્તાઈ રહ્યા છે. જગતનો તાત હાલ ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યો છે. તો વરસાદના એંધારણના પગલે શાળાના વિદ્યાર્થીઓને વહેલાં છોડી મુકાયા હતા.તો દક્ષિણમાં તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો. વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી હતી અને વાતાવરણનું સૌદર્ય પણ ખીલી ઉઠયું હતુ. તો બીજીતરફ ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ડાંગ જીલ્લામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.