આગામી 21મી ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે જળમગ્ન દ્વારકા નગરી ખાતે એક વિશિષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે. ‘ઇટ્સ સિક્સ્થ વાઉ’ દ્વારા જય દ્વારકા કેમ્પેઇન અંતર્ગત દ્વારકાના દરિયાકાંઠે ‘શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ અંગે વાત કરતાં ઇટ્સ સિક્સ્થ વાઉ સંસ્થાના વડા અને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના સભ્ય રવીન્દ્રજીતે જણાવ્યું હતું કે દ્વારકાના દરિયામાં જળમગ્ન પ્રાચીન દ્વારકા નગરીના તળીયે બેસીને કુલ સાત સ્કૂબા ડાઇવર્સ દ્વારા કૃષ્ણજાપ કરવામાં આવશે. આ સાથે જ દરિયાકાંઠે 70 જેટલા નર્તકો દ્વારા કૃષ્ણભક્તિનાં ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકામાં વિશેષ હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંગે વિગતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સાત સ્કૂબા ડાઇવર્સ દરિયાના તળીયે પ્રાચીન દ્વારકા નગરી પાસે બેસીને પંદર મિનિટ સુધી શ્રીકૃષ્ણના જાપ કરવાના છે, આમ, જળમાં જપ કરીને વિશ્વ જળમગ્ન શહેર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે દરિયાકાંઠે 70થી વધુ લોકો દ્વારા નૃત્ય થકી શ્રીકૃષ્ણની ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવશે. એ ઉપરાંત નિખિલ નિત્યાગ્નિ આશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સર્વ દેવતા હોમ-હવન માટે જાણીતા ગુરુજી દ્વારા હોમ કરાવવામાં આવશે, જેનો ભક્તજનો લાભ લઈ શકશે.
રવીન્દ્રજીતે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના પ્રાચીન અને જળમગ્ન શહેરોમાં દ્વારકા એક મોખરાનું શહેર છે. દ્વારકાના પ્રાચીન જળમગ્ન નગર અંગે વધારે શોધ-સંશોધન થાય તથા તેનું સારી રીતે સંરક્ષણ થાય, એ માટેના પ્રયાસોના ભાગરૂપે આવો કાર્યક્રમ કરવામાં આ રહ્યો છે તથા ગુજરાત સરકાર અને ખાસ કરીને પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા સહિત સૌનો સાથ-સહકાર મળી રહ્યો છે, એનો આનંદ છે, ‘શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમના આયોજનમાં અતુલ્ય ભારત, ગુજરાત, તેલંગણ અને આંધ્રપ્રદેશનો પ્રવાસ વિભાગ પણ સહયોગ આપી રહ્યો છે, એ ઉપરાંત ભારત ભારતી, સી વર્લ્ડ ડાઇવ સેન્ટર દ્વારકા, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ, નિત્યાગ્નિ અને મીડિયા સિલેક્ટ કોમ્યૂનિકેશનનો પણ સહયોગ મળી રહ્યો છે, એવું રવીન્દ્રજીતે ઉમેર્યું હતું.
