23 મે ના રોજ કેન્દ્ર સાથે ગુજરાતની સરકાર પણ પડશેઃ શંકરસિંહ વાઘેલા

0
2978

ગાંધીનગરઃ કોંગ્રેસનો સાથ છોડીને એનસીપીમાં જોડાયેલા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ આપેલા એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ધરતીકંપ આવ્યો છે. શંકર સિંહે દાવો કર્યો છે કે 23 મેના રોજ જેવી એનડીએ સરકાર પડશે, ત્યાં જ ગુજરાતમાં ભાજપની સરકાર પણ પડી જશે. શંકરસિંહે દાવો કર્યો છે કે 23 મે ના રોજ એનડીએ સરકાર પડી જશે.

શંકરસિંહે દાવો કર્યો છે કે બીજેપીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમનો દાવો છે કે બીજેપીના ધારાસભ્યો શીર્ષ નેતૃત્વથી નારાજ છે. તેમણે કહ્યું કે બીજેપીના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. આ સરકારમાં તેમની વાત કોઈ સાંભળતું નથી, અને ન તો તેમના વિસ્તારમાં કોઈ કામ કરવામાં મુખ્યપ્રધાન રુપાણીને કોઈ રસ છે. શંકરસિંહના આ દાવા બાદ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અચંબિત છે અને તેઓ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે શું સાચે જ ધારાસભ્યો શીર્ષ નેતૃત્વથી નારાજ છે કે કેમ.

જો કે બીજેપીએ હજીસુધી અધિકારીક રીતે આ મામલે કોઈ જાણકારી આપી નથી. પરંતુ પાર્ટીની અંદર કયા કયા લોકો શંકરસિંહના સંપર્કમાં છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 100 નો આંકડો પણ પાર કરી શકી નહોતી. ગુજરાતમાં આમતો સરકાર બનાવવા માટે 92 ધારાસભ્યોની સંખ્યા જ પર્યાપ્ત છે, પરંતુ વાઘેલાના દાવાથી પાર્ટી પણ ચોંકી ઉઠી છે. જો શંકરસિંહ વાઘેલાનો દાવો સાચો સાબિત થાય છે, તો બીજેપી માટે ગુજરાતમાં મુશ્કેલીઓ વધી શકે છે.