શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાઈ ગયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

અમદાવાદ- અષાઢી બીજેની રાહ જોવાઈ રહી હોય તેમ કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા શંકરસિહ વાઘેલાના પુત્ર, બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસની સાથેનો નાતો તોડ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઇ ગયાં છે.રથયાત્રાની ધમધમાટી વચ્ચે જ્યાં શહેરમાં ભગવાન જગન્નાથજી રંગેચંગે શહેરનું પરિભ્રમણ કરી રહ્યાં છે ત્યારે એકદમ સાદગીથી મહેન્દ્રસિંહના ભાજપ પ્રવેશની વિધિ પૂર્ણ થઇ ગઇ છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વાઘેલાને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહે રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપને મત આપ્યો હતો ત્યારથી તેમના ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર હતો. જોકે લાંબો સમય ચૂપકીદી રાખ્યાં બાદ ભાજપમાં જોડાઇ ગયેલાં મહેન્દ્રસિંહને સાબરકાંઠામાંથી લોકસભા ચૂંટણી માટે ટિકીટ મળી શકે છે.

ભાજપમાં જોડાયેલાં મહેન્દ્રસિંહે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ હવે ક્યારેય ઊભી થઇ શકે તેમ નથી.