બે મહિનામાં બીજો ઓપન હાઉસ કાર્યક્રમ,જમીન મહેસૂલના 1200 હૂકમ છૂટ્યાં

અમદાવાદ– સરકારી તુમારશાહીમાં નાનાનાના કામ ટલ્લે ચડે અને પ્રજાને હેરાનગતિનો અનુભવ તોબા પોકારાવે. આવી સમસ્યાના ઉકેલ માટે નવા અભિગમ તરીકે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકારે અમદાવાદના પાલડીમાં બે મહિનામાં આ બીજો ઓપનહાઉસ કાર્યકર્મ યોજી દીધો. જેમાં જમીન-મહેસૂલના 1200 જેટલા હૂકમ છૂટ્યાં હતાં.નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રકારના મહેસૂલી બાબતોના હુકમો વિતરણ કરવા માટે ‘સરકાર આપના દ્વારે’ ના અભિગમથી એકજ સ્થળેથી હુકમોના વિતરણનો છેલ્લા બે મહિનામાં બીજો ઓપન હાઉસ કાર્યક્રમ ટાગોર હોલ, પાલડી ખાતે યોજાયો હતો.

જમીન મહેસૂલના વિવિધ હૂકમોના વિતરણ માટે યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જમીન-મહેસૂલની તથા ગણોતધારાની વિવિધ કલમો હેઠળના હુકમો, ઈન્ટિમેશન, દાવા પ્રમાણપત્ર, યુએલસી વટહુકમ અંતર્ગત હુકમ, સનદનું હાથોહાથ વિતરણ કર્યું હતુ. 1100 જેટલા લાભાર્થીઓને આ હુકમોનું વિતરણ કરતાં પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરળતાથી અને ઝડપી-પારદર્શકતાથી પ્રજાલક્ષી કાર્યોનો નિકાલ સ્થળ પર થાય તે માટે કટિબદ્ધ છે. હવે પછીના ઓપન હાઉસ કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ધારાસભ્યોના મતવિસ્તાર દીઠ યોજી એકપણ લાભાર્થી પોતાનાં હક્કથી વંચિત ન રહી જાય તે દિશામાં કામ થશે.

અમદાવાદ શહેર તથા જિલ્લો રાજ્યમાં વધુ વસતી ધરાવે છે તેથી સ્વાભાવિક છે કે વધુ કામગીરી રહે છે છતાં બે મહિનામાં સફળતાપૂર્વક આ બીજો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો તે માટે વહીવટી તંત્રને અભિનંદન અપાયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]