સર્જીકલ સ્ટ્રાઈકની બીજી વરસી નિમિતે 28થી ૩૦ સપ્ટેમ્બર રાજ્યભરમાં ઉજવાશે પરાક્રમ પર્વ

ગાંધીનગર- સર્જીકલ સ્ટ્રાઈકની બીજી વરસીના દિવસે 28થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતમાં પરાક્રમ પર્વ તરીકે ઉજવાશે. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આવેલ સંરક્ષણ દળોના બ્રિગેડ હેડકવાર્ટર પર સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલ હુમલા બાદ સંરક્ષણ દળો દ્વારા આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન રોકવા અનેક પગલાં ભરવામાં આવ્યા છે અને પાકિસ્તાન વિરુદ્ધ પણ કડક વલણ દાખવવામાં આવ્યું છે. સર્જીકલ સ્ટ્રાઈક આ પગલાઓમાનું એક સૌથી જાણીતું સાહસ છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા ઉભી કરી હતી.

સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા ભારત સરકાર અને ભારતીય સેનાએ સરહદ પર થઇ રહેલ દેશ વિરોધી ગતિવિધિઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેના દ્વારા LOCને પાર જઈ અલગ અલગ ઠેકાણે એટેક કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયર ઉલ્લંઘનનો સખત જવાબ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાન દ્વારા અવાર નવાર LOC અને કાશ્મીરમાં કરવામાં આવતું સીઝ ફાયરનું ઉલંઘન અને ભારત વિરોધી પ્રવૃતિઓ સામાન્ય બની ગઈ હતી. આ સ્થિતિમાં ભારત સરકારે અને ભારતીય સંરક્ષણ દળોએ પાકિસ્તાનને ચેતવણી આપવા અને દેશ વિરોધી આતંકવાદ સહિતની અન્ય સરહદ પર થઇ રહેલ ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે કડક સંદેશ આપવાના હેતુથી સર્જીકલ સ્ટ્રાઈક કરી અને તેને સફળતાપૂર્વક પાર પાડી હતી.આ સાથે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે અવારનવાર થતી સીઝ ફાયર ઉલંઘનની ઘટનાઓ અને આતંકવાદી ગતિવિધિઓ પરત્વે ભારત સરકારનું વલણ બદલાયું છે.

ઉરી, ગુરુદાસપૂર અને પઠાણકોટ આતંકવાદી પ્રવૃત્તિઓ અને સીઝ ફાયર ઉલ્લંઘન માટે સૌથી સંવેદનશીલ હતાં, જ્યાં સંરક્ષણદળોએ તેમની ચોકીઓ વધારી છે અને સર્વેલન્સ પણ વધાર્યું છે. જેના પરિણામ સ્વરૂપે સીઝ-ફાયરની ઘટનાઓમાં ઘટાડો થયો છે. સાથે સાથે સરહદી વિસ્તારોમાં ઈન્ટીગ્રૅટેડ કાઉન્ટર-ઇન્સર્જન્સી(CI) ગ્રીડ સીસ્ટમ અને ઇન્ફીલ્ટેશન ઓબ્સટેકલ સીસ્ટમ(AIOS) દ્વારા ઘુસણખોરી અટકાવવામાં મોટી સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, ઉરી સેક્ટરમાં તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હુમલો સૌથી બર્બરતાપૂર્ણ હુમલો હતો જેમાં જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન-આતંકવાદ સામે ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનામાં સેનાની ૧૨ યૂનિટના બેઝ પર થયેલ આત્મઘાતી હુમલામાં સેનાના ૧૯ જવાન શહીદ થયા હતાં, જેને લીધે સમગ્ર દેશના લોકોએ અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા આ ઘટના સામે રોષ ઠાલવ્યો હતો. ભારત સરકાર અને સંરક્ષણદળોની આ જીતને હવે પરાક્રમ પર્વ સ્વરૂપે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]