ગુજરાતમાં આ જગ્યાઓ પર શરુ થઇ શકે છે સી પ્લેન સર્વિસ

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે 3 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટમાં સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધીના રૂટનો પણ સમાવેશ થાય છે.

2017માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીથી ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી, જેની નોંધ વિશ્વભરમાં લેવાઈ હતી.  હાલ AAI દ્વારા સાબરમતી રિવરફ્રંટથી સરદાર સરોવર ડેમ અને સુરતમાં તાપી રિવરફ્રંટ સુધીના રુટ પર વિશ્લેષણ ચાલી રહ્યું છે.

AAI ના ચેરમેન ગુરૂપ્રસાદ મોહપત્રાના નિવેદન પ્રમાણે ઓથોરિટી દ્વારા ઘણા સ્થળોનો વિચાર કર્યા બાદ 3 સ્થળોને પ્રી-ફીઝીબીલીટી સ્ટડી માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ AAIના અધિકારીઓ આ જગ્યાઓની મુલાકાત લેશે. આવનારા થોડા સમયમાં જ મીટિઅરૉલોજિકલ અને હાઈડ્રોલોજિકલ અભ્યાસ શરુ કરવામાં આવશે. આ મામલે તમામ પ્રકારના રીપોર્ટ પ્રાપ્ત થયા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.

સરકારે સી-પ્લેન ટૂરિઝમ પોલીસીનો પ્રસ્તાવ મુક્યો છે અને બજેટમાં તેના માટે સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર  સરકારનો પ્લાન 31મી ઓક્ટોબર પહેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું કામ સમાપ્ત કરવાનો છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થઈ જશે ત્યારે વિશ્વભરમાંથી લોકો લોકો તેને જોવા માટે અહીં આવશે. ત્યારે પ્રવાસીઓ માટે સી-પ્લેન એક યોગ્ય અને મહત્વપૂર્ણ વિકલ્પ બની રહેશે.