સાયન્સ સિટીમાં આધુનિક રોબોટિક ગેલેરી બનશેઃ રૂપાણી

 ગાંધીનગરઃ રાજ્યના યુવાનો નવાં સંશોધનો દ્વારા પ્રજા-કલ્યાણમાં પોતાનું મહત્તમ યોગદાન આપશે. આવનાર દિવસોમાં સંશોધન ક્ષેત્ર તમામ પડકારો ઝીલવા ગુજરાતના વિદ્યાર્થીઓ સજ્જ છે. નવા ૧૦ સુપર કોમ્પ્યુટરના માધ્યમથી ગુજરાતના યુવાનો વિશ્વ સાથે સંશોધન ક્ષેત્રે સ્પર્ધા કરશે, એમ કહેતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતનો યુવાન આજે “જોબ સીકર નહીં પણ જોબ ગિવર” બન્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે નવા 10 પરમ સુપર કોમ્પ્યુટર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શોધ ક્ષેત્રે રાજ્યના યુવાનોથી દેશને ઘણી આશા-અપેક્ષા છે.

મુખ્ય પ્રધાનને હસ્તે ૧૦ યુનિવર્સિટી- શૈક્ષણિક સંસ્થાઓને સુપર કોમ્પ્યુટર એનાયત કરવામાં આવ્યાં  હતા.  રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ IIT અને IIM ઉપલબ્ધ છે અને હવે સાયન્સ સિટીમાં આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે. દેશમાં સ્ટાર્ટઅપ માટે વૈશ્વિક કક્ષાની  iCreat સંસ્થા માત્ર ગુજરાતમાં કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના વિવિધ સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાઇ-એન્ડ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા તથા નેક્સ્ટ જનરેશન લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે ગુજકોસ્ટ દ્વારા વિવિધ ઇજનેરી સંસ્થાનોમાં તથા યુનિવર્સિટીઓના વિભાગોમાં સંશોધન માટે સુપર કોમ્પ્યુટિંગ સુવિધાઓને સ્થાપવામાં આવી રહી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા વર્ષ કુલ ૨૬ સુપર કોમ્પ્યુટર રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થા- યુનિવર્સિટીઓને આપવામાં આવ્યા છે.

ઇજનેરોની યુવા પેઢીની કુશળતામાં વધારો કરવા ગુજકોસ્ટ દ્વારા પ્રથમ એવી ‘રોબોફેસ્ટ ગુજરાત’ નામક સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. રોબોફેસ્ટ એક નવીનતમ અને રાજ્ય કક્ષાની વૈજ્ઞાનિક અને ઇજનેરી સ્પર્ધા છે. રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધામાં ચાર પગ વાળા રોબોટ, ચેસ રમતાં રોબોટ, પાણીની અંદર કાર્યક્ષમ હોય તેવા રોબોટ, સંગીત વાજિંત્રો વગાડી શકે તેવા રોબોટ, રોવર, પ્રોસ્થેટિક લિમ્બ્સ અને ઉત્ખનન રોબોટ સહિત સાત વિવિધ શ્રેણીઓ છે.

મુખ્ય પ્રધાનને હસ્તે જાહેર કરાયેલા વિજેતાઓમાંથી પાંચ વિદ્યાર્થી ટીમોને રૂ. પાંચ લાખ અને પ્રમાણપત્રો; બે વિદ્યાર્થી ટીમોને સંયુક્ત ઇનામ રૂ. ૨.૫૦ લાખ અને પ્રમાણપત્રો અને બે વિદ્યાર્થી ટીમોને રૂ. એક લાખ ઇનામ અને પ્રમાણપત્ર વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિક સચિવ હેમાંગ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]