સતાધારના મહંત જીવરાજ બાપુની વિદાયથી શોકનું મોજું, સમાધિ અપાઈ

રાજકોટ- જીવરાજ બાપુની જય…જીવરાજ બાપુની જય……મધરાત્રે આ ઘોષ ગૂંજી ઉઠ્યો. ગીરના જંગલ વચ્ચે આવેલી જગપ્રસિધ્ધ સત્તાધારની જગ્યાએ ગઇકાલે, 19મી ઓગસ્ટે આમ તો રાત પડી જ નહીં પણ હા, ધર્મ,ભક્તિ,અધ્યાત્મનું એક ઝળહળતું નક્ષત્ર કાળના મહાસાગરમાં વિલિન થઇ ગયું. જગ્યાના મહંત અને ઓલિયા માણસ એવા જીવરાજબાપુએ 93 વર્ષની વયે પોતાનું નશ્વર શરીર રાત્રે દસ વાગ્યે ત્યાગી દીધું હતું. જ્યાં સદાય અન્નયજ્ઞ ચાલે છે એવા સત્તાધાર ધામમાં વસતા અને આસપાસ રહેતા અનેક ભક્તો-ભાવિકો, સેવકોએ પિતાતુલ્ય વ્યક્તિ ગુમાવ્યાનો અહેસાસ કર્યો હતો. મોડી રાતથી જ સત્તાધાર ધામ ખાતે મોટી સંખ્યામાં લોકો જીવરાજબાપુના અંતિમ દર્શને ઉમટી રહ્યાં છે.

આપા ગીગાની દિવ્ય જગ્યાના સંત જીવરાજબાપુનો સોમવારે રાત્રે દેહવિલય થતા ભક્તો અને સંત સમુદાયમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. બપોરે ત્રણ વાગ્યા પછી પરંપરાગત પાલખીયાત્રા સાથે સત્તાધારમાં સમાધિ આપવામાં આવશે. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારીથી પીડાતા હતા, તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

જીવરાજબાપુ વિશે….

જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. નાની વયથી જ સત્તાધારની જગ્યામાં આવ્યા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા. ગુરૂ શામજીબાપૂએ તેમને તિલકવિધી કરાવેલી અને આગળ જતા શામજીબાપૂએ તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા.

225 વર્ષ પહેલા આપા ગીગાએ સતાધારની જગ્યા સ્થાપી હતી. સૌપ્રથમ આપા ગીગા, કરમણબાપૂ, રામબાપૂ, હરિબાપૂ, લક્ષ્મણબાપૂ, શામજી બાપૂ પછી જીવરાજ બાપૂ આ જગ્યાએ બિરાજ્યા હતા. તેમના બિરાજમાન થયા પછી સતાધારની જગ્યામાં શ્યામ ઘાટ, જીવરાજ ભુવન, જગદીશ ભુવન જેવા પ્રકલ્પોએ આકાર લીધો હતો.

જીવરાજબાપૂ 90 વર્ષની ઉંમર સુધી સતત કાર્યરત હતા. 3 વર્ષ પૂર્વે તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીવરાજ બાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. ગત રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જીવરાજ બાપુની મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. જીવરાજ બાપુના નિધનના સમાચાર મળતા જ ભકતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બપોરે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે.