સાબરમતી પર સંકટઃ સાબરમતીને નર્મદાનું એક ટીપું પાણી પણ નહી મળે

અમદાવાદઃ નર્મદામાંથી અમદાવાદના જિલ્લાને સિંચાઈ માટે અપાતું 400 કયુસેક પાણી બંધ કરી દેવાશે. એટલા માટે કે વાસણા બેરેજમાં પાણીની આવક બંધ થતા સાબરમતી નદીમાં પણ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવશે જેથી નજીકના દિવસોમાં સાબરમતી નદી સૂકીભઠ્ઠ થવાના સંકેત ઉભા થયા છે. નદીમાંથી ઈન્ટેકવેલથી કોતરપુર વોટરવર્કસમાં ખેંચવામાં આવતું 200 એમએલડી પાણી ખેંચવાની મનાઈ ફરમાવતા ઈન્ટેક-1 અને 2 બંધ કરી દેવાયા છે.

આમ છતા મ્યુનિ.બારોબાર પાણી ન ખેંચી લે તે માટે સિંચાઈ વિભાગે રાઉન્ડ ધ કલોક બે કર્મચારીઓને કોતરપુર વોટરવર્કસ ખાતે તહેનાત કરી દીધા છે. બીજી તરફ, કડાણા ડેમમાંથી શેઢી કેનાલ થકી રાસ્કા વોટરવર્કસ ખાતે અપાતું 200 એમએલડી પાણી પણ બંધ કરી દેવાયુ છે. કુલ 400 એમએલડી પાણીની ઘટ ઉભી થતા શહેરના ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નજીકના દિવસોમાં પીવાના પાણી માટે વિકટ સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ સર્જાઈ છે. જો કે સત્તાધીશોના જણાવ્યા અનુસાર શહેરમાં નર્મદાની સીધી પાઈપલાઈન દ્વારા પાણી અપાતુ હોવાથી હાલ પાણીની ઘટ હોય તેવી કોઈ સમસ્યા નથી.

અત્યારે કડાણા ડેમમાંથી શેઢી કેનાલ મારફતે રાસ્કા વોટરવર્કસમાં 200 એમએલડી જેટલું પાણી પુરુ પડાય છે. જે દક્ષિણ ઝોનના છેવાડાના ઈન્દ્રપુરી, ઘોડાસર, વટવા, ઈસનપુર અને લાંભા વિસ્તારોમાં આપવામાં આવે છે. ઉપરાંત પૂર્વ વિસ્તારના પણ કેટલાક ભાગમાં અપાય છે. હવે આ પાણી આપવાનુ પણ બંધ કરી દેવામાં આવશે જેથી કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ હજી એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રખાય તેવી રજૂઆત કરવામાં આવી છે.