‘અમૃત’ યોજનાઃ ગુજરાતનાં 31 શહેરોના વિકાસ માટે રૂ.2,070 કરોડની સહાય

નવી દિલ્હી/ગાંધીનગર- કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન હરદીપ સિંહ પુરીએ રાજ્ય સભામાં 5 એપ્રિલ 2018ના રોજ સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના ઉત્તરમાં જબાબ આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) યોજના હેઠળ દેશના 500 શહેરોના વિકાસ માટે રૂ.35,989.70 કરોડનું ભંડોળ પુરું પાડશે, જેમાંથી ગુજરાતનાં 31 શહેરોના વિકાસ માટે રૂ.2069.96 કરોડની ફાળવણી કરવામાં આવશે.

સભાગૃહમાં રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર, ગુજરાતનાં 31 શહેરો માટે રાજ્ય સરકારના હિસ્સા સહિત કુલ રૂ.4,884.42 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ.2,069.96 કરોડ છે. જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. કેન્દ્ર સરકારે અમૃત યોજના હેઠળ ગુજરાતમાં ફાળવવાની તેના હિસ્સાની રકમમાંથી કુલ રૂ.414 કરોડની ચૂકવણી કરી દીધી છે. ગુજરાતમાં ‘અમૃત’ હેઠળ કુલ રૂ.2,140.55 કરોડના પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે, જ્યારે રૂ.702.77 કરોડના પ્રોજેક્ટનો વિસ્તૃત પરિયોજના અહેવાલ મંજૂર થઈ ગયો છે અને રૂ.2,041.10 કરોડના પ્રોજેક્ટનો ડી.પી.આર. તૈયાર થઈ રહ્યો છે.

‘અમૃત’ હેઠળ પસંદ થયેલાં ગુજરાતનાં 31 શહેરોમાં અમદાવાદ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, ભૂજ, બોટાદ, ડીસા, ગાંધીધામ, ગોધરા, ગોંડલ, જેતપુર-નવાગઢ, કલોલ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પાલનપુર, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર-દૂધરેજ, વડોદરા, વલસાડ, વાપી અને વેરાવળનો સમાવેશ થાય છે.