સ્વમાન સાથે સેવાનો સંતોષ મેળવતા રીક્ષાચાલકો

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉનનો સતત ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. રોજ કમાણી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતાં લોકો એક મહિના કરતાંય વધારે સમયથી લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એમાં ઓટો રીક્ષાચાલકોનો એક મોટો વર્ગ છે. સ્વમાનથી પાતોની રોજગારી મેળવતા લાખો રીક્ષાચાલકો હાલની પરિસ્થિતિમાં આવક વગર સંકટમાં આવી ગયા છે, પણ ખુમારી છોડી નથી.  કોરોનાની મહામારીમાં અમદાવાદ શહેરના રીક્ષાચાલકોના સંગઠનો સમગ્ર તંત્રને મદદરુપ થવા આગળ આવ્યા છે. ‘લોકડાઉનમાં પોલીસ અધિકારીઓને મળી અમેય સેવા આપીશું…’ એવી રજુઆત કરી. પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેરના 40 જેટલા પોલીસ સ્ટેશનમાં 100 જેટલી રીક્ષાઓની મદદ લેવામાં આવી છે. શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રીક્ષાઓ ઉપર લાઉડસ્પીકર લગાડીને કોરોના મહામારી શું છે એ વિશે નાગરિકોએ કઈ સાવચેતી રાખવાની જોઈએ એવી સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.

રીક્ષાચાલકોના આગેવાન રાજવીરભાઇ ‘ચિત્રલેખા ડોટ કોમ’ને કહે છે અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં મંજૂરી આપવામાં આવેલી રીક્ષાઓ સેવાઓ આપી રહી છે. અદાણી ગેસ સ્ટેશનમાંથી એક રીક્ષાદીઠ રોજના 2 કિલો ગેસ પૂરી આપવામાં આવે છે. આખાય શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી રીક્ષાઓ લોકજાગૃતિ ફેલાવવામાં તંત્રને મોટી સફળતા મળી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટોરીક્ષા ચલાવતા અરુણ સોલંકી કહે છે જે વિસ્તારમાંથી સૂચનાઓ આપતું અમારું વાહન પસાર થાય છે એ વિસ્તારમાં દુકાનો, લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થઇ જાય છે. લોકો બિન-જરુરી બહાર નીકળવાનું ટાળે છે. કારણ વગર એકઠા થયેલા ટોળા વિખરાઇ જાય છે. આ સાથે જ રીક્ષાચાલકોના જુદા જુદા સંગઠનોએ સરકાર હાલની પરિસ્થિતિમાં બેરોજગાર થઇ ગયેલા લોકોને વળતર સહાયતા મળે એ માટેની માંગણી કરી છે.

રીક્ષાચાલકોની તંત્રને મદદની ભાવનાની બાબત જરૂર ઉડીને આંખે વળગે એવી છે. સુખી સંપન્ન, માલેતુજાર લોકોને મદદ કરે એ સમજી શકાય. પરંતુ જે લોકો રોજનું કમાઇને રોજનું ખાતા હોય એવા લોકો સંકટ સમયમાં સેવામાં લાગી જાય એ નોંધનીય છે. સ્વમાનભેર જીવવા માટે રીક્ષા ચલાવતા લોકો હાલની પરિસ્થિતિમાં ભલે આર્થિક સંકટમાં હોય, પણ એમની ખુમારી અને સેવાની ભાવનાથી આવેલી લોકજગૃતિનો એમને સંતોષ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]