જાણો, કેવું રહયું આ દીપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન….

ગાંધીનગરઃ પાટનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીના કોતર વિસ્તાર નજીકના કેટલાક ગામોમાં પાલતુ પ્રાણીઓના મારણ અને દીપડાના પગના નિશાન અનેકવાર જોવા મળ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઇને ગાંધીનગર વન વિભાગ દ્વારા છેલ્લા છ મહિનાથી આ દીપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન આજે ગાંધીનગર નજીકના દોલારાણા વાસણા (બાપુપુરા) ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વન વિભાગની ટીમે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્યું છે. જોકે હજુ આ વિસ્તારમાં દીપડો હોવાની શક્યતા વ્યક્તા કરતા ગાંધીનગર નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોરે જણાવ્યું હતું કે, તે દીપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા તેમની ટીમો દ્વારા કવાયત ચાલી રહી છે.ગાંધીનગર નજીકના ફતેપુરા, પીંપળજ, પીંઢારડા, દોલારાણા વાસણા, ગ્રામભારતી, અમરાપુર અને અંબોડ સહિતના નદીકાંઠાના ગામોમાંથી અવારનવાર દીપડાના પગમાર્ક જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના મારણ કર્યા હોવાના બનાવો વન વિભાગને ધ્યાને આવ્યા હતા. જેના અનુસંધાને ગાંધીનગર વન વિભાગ દ્વારા બોરીજ, ઉર્જા અને માણસા રેન્જમાં દીપડાને પકડી પાડવા ટીમો બનાવી સતત પેટ્રોલીંગ અને મોનીટરીંગ કરાઇ રહ્યું હતું તેમ જણાવી ગાંધીનગર નાયબ વન સંરક્ષકે વધુમાં ઉમેર્યું હતું કે, દીપડાને પકડવા બનાવેલી વિવિધ વ્યુહરચના અંતર્ગત બનાસકાંઠા વન્યજીવ ડીવીઝનની રેસ્ક્યુ ટીમ તથા સાસણગીર અભ્યારણ્યની ટ્રેકર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા ગોઠવીને ગ્રામજનોને રાત્રે ખુલ્લામાં નહીં સુવા સુચનાઓ પણ જારી કરવામાં આવી હતી.

અનેક પ્રયત્નોને અંતે પણ દિપડાના લોકોશન ટ્રેસ થતા ન હતા દરમિયાન ગઇ કાલે ૧૩ ઓકટોબરે દોલારાણા વાસણા (બાપુપુરા) ખાતે દીપડા દ્વારા એક પાલતુ પ્રાણી (પાડા)નું મારણ કરવામાં આવ્યું હોવાના મેસેજ મળતા જ ઉર્જા રેન્જના સ્ટાફ દ્વારા આ ગામમા કોતર વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું હતું અને રાતભર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ૧૪ ઓકટોબરે સવારે ૭.૪૫ વાગ્યે દીપડાને પાંજરામાં પુરી દેવા વન વિભાગને સફળતા મળી હતી.

રેસ્ક્યુ કરાયેલા દીપડાને પાંજરા સાથે દોલારાણા વાસણાથી ગાંધીનગર ખાતેના વનચેતના કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો છે. ગીર ફાઉન્ડેશનના વેટરનરી ડૉકટર પસે દીપડાનું નિરીક્ષણ કરવતાં આ દિપડો ૭-૮ વર્ષથી મોટો પુખ્ત વયનો નર હોવાનું તથા તંદુરસ્ત હાલતમા હોવાનું જણાવ્યું છે.

આ દીપડાને વન ચેતના કેન્દ્રમાંથી ગીર ફાઉન્ડેશન ખાતે તબદીલ કરવામાં આવશે અને ત્યારબાદ ઓબ્ઝર્વેશનમાં રાખીને તેને મુક્ત કરવા માટેનું સ્થળ નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.