સોમનાથ મહાદેવ મંદિરની શોભા વધારવાના આયોજનો…

સોમનાથ- વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને અત્યાધુનિક સ્તરે મૂકવા માટેના પ્રયત્નો ગતિમાન કરવામાં આવ્યાં છે. સોમનાથને આઇકોનિક સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે આઇકોનિક સિટીને છાજે તેવી સુવિધાઓ ઉભી કરવા માટે પ્રશાસન દ્વારા આયોજન હાથ ધરાયાં છે.જેને લઇને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, અને સીએસઆર પાર્ટનર આઇડીયા સેલ્યુલર કંપનીના અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી. સર્વોચ્ચ કક્ષાની યાત્રીસુવિધા માટે આધુનિક બાયો ટોઇલેટ, આરઓ વોટર એટીએમ, રોડ રસ્તાનું સુશોભન, સાફસફાઇ માટે અત્યાધુનિક સાધનો ખરીદવા, સ્વચ્છતા કેળવણી તેમજ સુવિચારો અંગેના બેનરો-હોર્ડિંગ્સ-સાઇન બોર્ડ- વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કે એમ અધ્વર્યુ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, તેમ જ અધિકારીઓએ સોમનાથ મંદિર આસપાસના વિસ્તારની સ્થળ મુલાકાત પણ લઇ સમીક્ષા કરી હતી.