રાજકીય પક્ષોની બજેટ પ્રત્યે આ રહી પ્રતિક્રિયા

અમદાવાદઃ નાણાપ્રધાન પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, જે બજેટને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ આવકાર્યું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બજેટને જુમલાનું બજેટ કહ્યું છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્રનું આ બજેટ મધ્યમવર્ગ અને વેપાર-ધંધો કરવાવાળા લોકો માટે છે, પાંચ લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓએ હવેથી કોઈ ટેક્સ ચુકવવો નહી પડે, એટલે કે 80 સી હેઠળની 1,50,000ની બચત પછી કુલ રૂપિયા 6.50 લાખની વાર્ષિક આવક હોય ત્યાં સુધી શૂન્ય ટકા ટેક્સ રહેશે. તેની સાથે બજેટ ખેડૂતલક્ષી છે, જે પરથી સાબિત થાય છે કે કેન્દ્રની સરકાર ખેડૂતના હિત માટે કામ કરી રહી છે. મોદી સરકારે તેમના અંતિમ બજેટમાં નોકરિયાવત વર્ગ, પેન્શનર્સ, સીનીયર સીટીઝન, નાના વેપારીઓને મોટી ગિફટ આપી છે. આજે રજૂ થયેલ બજેટ આમ જનતાલક્ષી છે, તેને આવકારું છું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બજેટને જુમલા સરકારનું છેલ્લું જુમલા બજેટ ગણાવ્યું હતું. ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય આપવાની વાત કરીને ખેડૂતોની મશ્કરી કરી છે. મોદી સરકારે ખેડૂતોના ગાલ પર તમાચો માર્યો છે. જો કે મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હોત તો સારુ થાત. અમિત ચાવડાએ આ બજેટને 10માંથી 0 માર્ક આપ્ચા હતા. અમિત ચાવડાએ વધમાં કહ્યું હતું કે યુવાનોને રોજગારી માટે પકોડા તળવા સિવાય કાંઈ બાકી રાખ્યું નથી. કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત આપી, જેમાં 8 લાખની વાર્ષિક આવક રખાઈ, અને આવકવેરાની મુક્તિ મર્યાદા 5 લાખ છે. આ આર્થિક અસામનતા છે. ચૂંટણીમાં હાર દેખાતા ટેક્સના રૂપિયાથી જુમલા આપ્યા છે. બેરોજગારી વધારનારુ બજેટ પુરવાર થશે.