ગુજરાત બજેટ મુદ્દે ભાજપ- કોંગ્રેસની પ્રતિક્રિયા

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19 માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના લોકોએ પ્રતિક્રિયા આપી હતી. આવો જાણીએ તેમણે શું કહ્યું.

મુખ્યપ્રધાને આપી પ્રતિક્રિયા

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. આ બજેટ સાર્વત્રીક વિકાસનું બજેટ છે. અમે લોકો ખેડુતોની ચિતા કરી છે. 0 ટકા વ્યાજ એક નવી બાબત છે. ખેડુતોના પાક વિમાના સંરક્ષણ માટે બજેટમાં 1100 કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા છે. ટેકાના ભાવ માટેની ખરીદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બજેટમાં ખેડુતોને ટ્રેક્ટર માટે સબસિડી આપવામાં આવી છે. તો મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેડુતો માટે આ સીવાય ખાતર, પાણી, સીંચાઈ, વિજળી સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે  આ સીવાય ગ્રામ્ય જીવનમાં નાના નાના વ્યવસાય કરનારા લોકોને પણ લાભ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રોજગારી વધે તે માટે 4.5 લાખ લોકોને રોજગારી મળે તેવું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કોલેજમાં પ્રવેશતા નવા યુવાનો માટે ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવશે. તો આ સીવાય મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત પણ યુવાનોને સેલ્ફ ફાઈનાંસ કોલેજોમાં 50 ટકા ફી માટે માતબર રકમ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરો વિશે વાત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે શહેરો આધુનીક અને સ્માર્ટ થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તો આ સીવાય શહેરોની ટ્રાફીક સમસ્યા દૂર થાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સાઈબર ક્રાઈમને પહોંચી વળાય તે માટેની વ્યવસ્થા પણ આ બજેટમાં કરવામાં આવી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે માં અમૃતમ અને વાત્સલ્ય યોજનામાં સહાયની રકમ વધારવામાં આવી છે. આ પ્રકારે લોકોપયોગી બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બજેટ મુદ્દે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે સરકારે ખેડુતોને લાભ પહોંચે તેવું બજેટમાં કશું ઉમેર્યું નથી. વિકાસના કામોનો વહીવટ સરકાર કેવી રીતે કરશે. જુદા જુદા સમાજને લોભ અને લાલચ આપનારી સરકારે પહેલા આપેલા વાયદા પૂર્ણ નથી કર્યા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્યની ભાજપા સરકારમાં કામ નબળા થઈ રહ્યા છે. ભરતસિંહે જણાવ્યું કે નર્મદા ડેમનું ડેડ વોટર વાપરવાનો સમય આવી ગયો છે ત્યારે આગામી સમયમાં સરકાર લોકોને પાણી કેવી રીતે પૂરૂ પાડી શકશે. ગુજરાતના સરકારી વિજ મથકોમાંથી એકપણ વોટનું વધારે ઉત્પાદન નથી થયું. ભરત સિંહે જણાવ્યું કે સરકાર સાડા ત્રણ લાખ યુવાનોને રોજગારી આપવાની વાત કરી રહી છે પરંતુ 60 લાખ યુવાનો સામે જોતી નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બીપીએલ કાર્ડ ધારકોને પૂરતુ અનાજ નથી મળતું.

આભાસી આંકડાઓથી વિકાસના સપના દેખાડતુ બજેટઃ મનીષ દોષી (પ્રવક્તા, કોંગ્રેસ)

બજેટ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે આજે રજૂ કરવામાં આવેલું બજેટ આભાસી આંકડાઓથી વિકાસના સપના દેખાડતું બજેટ છે. વિકાસના ફળ ખેડુત ગરીબ આદીવાસી અને પક્ષીપંચ વર્ગના લોકો સુધી પહોંચ્યા નથી. પહેલીવાર એવું અંદાજપત્ર છે કે જેમાં ઉત્સવો અને તાયફાના નાણા કે જે પ્રજાના પરસેવાના પૈસાની કમાણી છે તેનો હિસાબ પણ આમાં મુકવામાં આવ્યો છે. પાણી વીના લોકો પરેશાન છે, પાણીના વિતરણ અને મેનેજમેન્ટ અંગે સરકારે બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી. શીક્ષણ માટેની જાહેરાતમાં જે વિજ્ઞાનપોથી આપવાની વાત, વાઈફાઈની વાત, અદ્યતન શીક્ષણની વાત, ડીજીટલ બોર્ડની વાત, આ તમામ વાતો થાય પરંતુ બીજીબાજુ શીક્ષકો અને અધ્યાપકોની નીમણૂંક કરવામાં આવતી નથી. નવા ઓરડા બનાવવાની વાત કરનાર સરકારના શાસનમાં 14 હજાર શાળાઓ એવી છે કે જ્યાં એક વર્ગ ખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. સરકારે આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધી જુદી-જુદી પાણીની યોજનાઓ મુકી છે એ યોજના જ દર્શાવે છે કે વનબંધુ કલ્યાણ યોજનાના નામે જે પૈસાની જાહેરાત કરવામાં આવી હતી તે પૈસા માત્ર કાગળ પર હતા અને આજ સુધીમાં ત્યાં પીવાનું પાણી મળતું નથી. ખેડુતો માટેની યોજનાઓની વાત કરનાર સરકારમાં ખેડુતોની સંખ્યા ઘટી છે, ખેતમજુરોની સંખ્યા વધી છે અને ખેતીની જમીન પણ ઘટી છે. નાના કદના ઉદ્યોગો જે કોંગ્રેસના શાસનમાં બન્યા હતા તેવા 55 હજાર જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તાળા ભાજપ સરકારની નીતિના કારણે લાગ્યા છે. માનવ સુચક આંક માટે આ બજેટમાં કોઈ જોગવાઈ દેખાતી નથી. મનીષ દોષીએ અંતે જણાવ્યું કે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે.