રાવ સાહેબની વાત સાંભળી IAS બનવાની પ્રેરણા મળી હતી: કાર્તિક જીવાણી

સુરત: ગઈકાલે આવેલા યુપીએસસીના પરિણામોમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. એની ઈચ્છા મુજબ જો એને આઈએએસ કેડર મળશે તો એ સુરતનો પ્રથમ આઈએએસ બનશે. લગભગ 60 લાખની વસ્તી ધરાવતા અને આર્થિક સમૃદ્ધિ શહેરમાં આજ સુધી એક પણ વ્યક્તિ આઈએસ નથી થયો. કાર્તિક સુરતની જ પી પી સવાણી અને રાયન ઇન્ટરનેશનલમાં ભણીને આઈઆઇટી મુંબઈથી મેકૅનિકલમાં બી.ટેક થયો છે.

સુરતમાં લેબોરેટરી ચલાવતા ડૉ.નાગજી જીવાણીનો આ પુત્ર કાર્તિક જીવાણી સુરત ‘ચિત્રલેખા’ સાથે વાતચિત્તમાં કહે છે, મારો જન્મ 1994માં જયારે સુરતમાં શંકાસ્પદ પ્લૅગ આવ્યો હતો. એ સમયે સુરતમાં કોઈ ડૉક્ટર પણ હાજર ન હતું જે મારી મમ્મીની પ્રસુતિ કરાવી શકે. બહુ મુશ્કેલીથી મારો જન્મ થયો હતો અને એ પછી સુરત બદલાયું. ગંદુ સુરત બદલાયું એની પાછળ તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ આર રાવ હતા એવી વાતો મેં સાંભળી હતી. ત્યારથી મનમાં હતું કે આવા આધિકારી શહેર અને સમાજ બદલી શકે. એ સમયથી ઈચ્છા હતી આ દિશામાં અને હું જયારે મુંબઇ ભણવા ગયો ત્યારે યુપીએસસી વિષે વધુ વિઅગત મેળવી અને તૈયારી કરી. વાત એટલી કે સુરતના તત્કાલીન એસ આર રાવ એ કાર્તિક માટે આદર્શ છે અને શહેર અને સમાજમાં બદલાવ લાવવાની ક્ષમતા છે એ માટે જ એ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.
ગઈકાલે પરિણામ જાહેર થયું ત્યારે એના મનમાં ઉચાટ અને ઉત્તેજના હતી કારણ 2017માં પ્રથમ પ્રયત્ને એ નિષ્ફળ ગયો હતો. છેલ્લા 3 વર્ષની આકરી મેહનત પછી એનું સફળ પરિણામ અને એ પણ રેન્કમાં આવ્યું એનાથી એ ખુબ ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. કાર્તિક કહે છે, ચોક્કસ જ આનંદ, સંતોષ અને ગર્વ અનુભવું છું. મેં અલગ અલગ જગ્યા એ થી માર્ગદર્શન મેળવીને 3 વર્ષની આકરી મેહનત પછી આ પરિણામ મેળવ્યું છે.

-ફયસલ બકીલી