સાધન સુવિધાઓ સાથેની સાઇકલ પર ફરવાનો શોખ પૂરો કરતાં મોજીલા પ્રવાસી

અમદાવાદ– દરેક માણસને જુદી જુદી પ્રકારના શોખ હોય છે. કેટલાંકને દેશદુનિયામાં પ્રવાસ કરી વિશ્વને જાણવાનો શોખ હોય છે. રુપિયા વધારે હોય અનુકુળતા હોય તો લોકો વિમાન, ક્રુઝ, રેલ્વે કે કાર જેમ અનુકુળતા હોય એ પ્રમાણે આસાનીથી પ્રવાસ કરી લે છે. દુનિયામાં આસાનીથી ફરી તીર્થ સ્થાનોના દર્શન કરી મનને મનાવી લે છે. પણ આપણી આસપાસ અસંખ્ય લોકો છે જેને ફરવાનો શોખ છે, પરંતુ સાધન કે સંપત્તિ કશું જ નથી. આવા જ એક પ્રવાસના શોખીન મૂળ રંગીલા રાજકોટના દીપસિંહનો chitralekha.com ને અમદાવાદમાં ભેટો થઇ ગયો. હા, આ અનોખા પ્રવાસી પોતાનો ફરવાનો દેશદુનિયાને જાણવાનો પ્રયાસ સાઇકલ દ્વારા કરે છે. દીપસિંહ પોતાનું ગુજરાત સિક્યુરિટીમાં નોકરી કરીને ચલાવતા. પત્નીના પરલોકધામ જતાંની સાથે જ દીકરીઓની જવાબદારી એમની પર આવી પડી. લોકોને જુદા જુદા સાધનોમાં ફરતા જોઇ એમને પણ જુદા જુદા ગામ-શહેર-રાજ્યો જોવાનું મન થાય. થોડા સમય બાદ દીકરીઓના લગ્ન થઇ ગયા. ત્યાર પછી પ્રવાસનો શોખતો પૂરતો કરવો જ હતો., પૂરતાં રુપિયા નહોતા. એક વિચાર આવ્યો સાઇકલથી પ્રવાસ કરવાનું શરુ કરવું. દુનિયા જોવા સાયકલને સજાવવાની શરુઆત કરી. લોકોનો સહકાર પણ મળ્યો, સાઇકલમાં મોબાઇલ ચાર્જર, પંખો,  સી.સી.ટી.વી કેમેરા, ભગવાનનું મંદિર, આકર્ષક લાઇટ્સ, માલસામાન માટે જુદુ જ કેરિયર જેવા તમામ સુવિધાઓ લગાડી અને પ્રવાસ શરુ કર્યો.આ સાઇકલ પર કેટલો પ્રવાસ કર્યો તેના જવાબમાં દીપસિંહ chitralekha.com ને કહે છે, રાજકોટથી નેપાળ દેશ સુધી અનેક પ્રવાસના સ્થળ હું ફર્યો છું. સાથે માર્ગમાં આવતા ધાર્મિક સ્થળને પણ આવરી લીધા છે. હું એમ માનું છું કે દુનિયામાં આવતા તમામ લોકોને એક દિવસ પાછા જવાનું છે ત્યારે ફરી લેવું સારું. એટલે મારી આ સુવિધાઓ સાથેની સાઇકલ સાથે મનગમતાં, નક્કી કરેલા સ્થળે મુલાકાત અવશ્ય લઇ લઉ છું.દીપસિંહની સાઇકલ પર ભગવાની સાથે ભ્રષ્ટાચાર વિરોધી પોસ્ટર પણ છે. મોટાભાગે રાત્રે જ પ્રવાસ કરવાનું પસંદ કરતાં દીપસિંહ કોઇપણ શહેરમાં જાય સારો પ્રતિસાદ મળે છે. આવકાર અને આશરો મળે એટલે આરામ ફરમાવી લઇ ગીતસંગીત સાથે સાઇકલ પર આગળની યાત્રા શરુ થઇ જાય.

તસવીર અને  અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ