રેસકોર્સની જમીન માલિકી મુદ્દે બસપા નેતાનો પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટ– રાજકોટમાં રૈયાધારમાં નવા બની રહેલાં રેસકોર્સ રોડ પર જમીન માલિકીના મુદ્દે એક દલિત પરિવાર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત પોલિસ કર્મચારીઓએ વિફળ બનાવ્યો હતો.વિવાદના મૂળમાં જમીન છે. જમીન તો સરકારી માલિકીની છે પરંતુ આ પરિવાર પોતે અહીં પેઢીઓથી રહેતો હોવાનો દાવો કર્યો છે. અને આ જમીન સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે સરકારે વેચી નાંખી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દલિત પરિવાર રહે છે તે જમીન રેસકોર્સ બનાવવામાં પણ વેચવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે.

પોતાના કબજામાં રહેલી સરકારી જમીન જતી રહેતાં પોતાનો પરિવાર બેધર થઇ જવાની ચિંતામાં મહેશ પરમાર અને તેમના પરિવારજનો દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર ઉપસ્થિત કર્મચારીઓએ દીવાસળી ચાંપવા દીધી ન હતી અને પોલિસ બોલાવી સોંપ્યાં હતાં. પોલિસે તમામની અટકાયત કરી હતી.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહેશ પરમાર માયાવતીના બહુજન સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા છે અને તેમણે આ જમીનની માગણી સરકાર સમક્ષ કરી હતી પણ તેમને ન અપાતાં અન્યને વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો.