ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોએ કોંગ્રેસમાં પાછા જવા સમજાવટ હાથ ધરી

રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે વિદેશયાત્રાએથી પરત આવ્યાં બાદ રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. રાજ્યગુરૂએ તેમના નિવાસસ્થાને સમાજના કેટલાક અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને બેઠકમાં અગ્રણીઓએ એવી રજૂઆત કરી હતી તેઓ રાજકારણમાં ફરી સક્રિય થાય.

પત્રકાર પરિષદમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી તેમજ લોકોના કામ માટે તો હું હંમેશા જાહેર જીવનમાં સક્રિય જ રહીશ. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ જણાવ્યું કે “વિદેશ પ્રવાસ દરમિયાન મારો મોબાઇલ ફોન બંધ હતો એટલે રાજીનામાં અંગે પ્રદેશ કોંગ્રેસના કોઈ નેતા સાથે મારી કોઈ વાતચીત થઈ નથી. હું મારો પરિવાર અને ધંધો મૂકીને લોકોની સેવા માટે કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ મારો કિંમતી સમય ખટપટમાં જ પસાર થતો હોવાથી મેં નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું હતું.”

ઈન્દ્રલ રાજ્યગુરૂએ જણાવ્યું કે હું હંમેશા શક્તિસિંહને મારા પ્રશ્નો અંગે વાત કરતો હતો પરંતુ આ વખતે મેં તેમની સાથે વાત કર્યા વગર જ આ નિર્ણય લીધો હતો. હું માનું છું કે તેમને મારા આ નિર્ણયથી દુઃખ થયું હશે. લોકસભાની ચૂંટણી લડવા અંગે ઈન્દ્રનિલ રાજ્યગુરૂને જ્યારે પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે જવાબ આપ્યો કે ચૂંટણી લડ્યા વગર પણ લોકોના કામ થઈ શકે અને હું આગામી લોકસભાની ચૂંટણી નથી લડવા માંગતો. અત્યારે લોકસેવા કરવાનો સમય છે અને એના માટે રાજકીય પ્લેટફોર્મ અને હોદ્દો મળે તેવું માનીને હું કોંગ્રેસ સાથે જોડાયો હતો.