અમદાવાદમાં મેઘરાજાની પધરામણી, 24 કલાકમાં 1 ઈંચ વરસાદ

અમદાવાદ-છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે અને મેઘરાજાએ અમદાવાદના આંગણે પધરામણી કરી છે. મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુરુવારથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા સમયથી વરસાદની રાહ જોતા અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવારે રાત્રે અમુક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ગત મોડી રાત્રીથી જ અમદાવાદના અમુક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો શહેરમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વટવામાં 2 ઈંચ, નારોલ અને ઓઢવમાં એક ઈંચ, શહેરના પશ્ચિમ ઝોનમાં સાત મિલીમીટર, નવા પશ્ચિમ ઝોનમાં સાત મિલીમીટર, નવા પશ્ચિમ ઝોનમાં 10 મિલીમીટર, પૂર્વ ઝોનમાં 22 મિલિમીટર, મધ્ય ઝોનમાં 16 મિલીમીટર અને ઉત્તર ઝોનમાં 18 મિલીમીટર તો સાથે જ દક્ષિણ ઝોનમાં 42 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.