વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

વડોદરાઃ છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધા બાદ આજે ફરીથી વડોદરામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે અને બહુચરાજી રોડ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો આ સાથે જ સુરત, નર્મદા, ભરૂચ અને આણંદમાં પણ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે તો ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ઈનિંગમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું અને વધુ પડતો વરસાદ વરસી જતા ખેડુતો પણ ચિંતામાં મુકાયા હતા પરંતુ અત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે. ત્યારે ફરીએકવાર દક્ષિણ ગુજરાતના આંગણે વરસાદ આવવાની આશ બંધાતા ખેડુતોને ચોક્કસપણે હાંશકારો થશે.

મહત્વની વાત એ પણ છે કે ચાલુ સીઝનાં વરસાદ સરેરાશ કરતા ઓછો વરસ્યો છે. તો સાથે જ દેશના અડધાથી વધુ વિસ્તારમાં વાવેતરણ પણ થયા નથી. પરંતુ અહીંયા નોંધનીય બાબત એ છે કે સમુદ્રમાં કોઈ જ વરસાદી સીસ્ટમ સક્રીય થઈ નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અત્યારે વરસાદી માહોલ ચોક્કસ જામ્યો છે.